દક્ષિણ ગુજરાતમાં મેઘો છવાયોઃ સુરતમાં બે ઈંચ, ઓલપાડમાં ચાર ઈંચ વરસાદ, કદાવર વૃક્ષ પડતાં ત્રણ કારનો ભૂક્કો

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી છે. છેલ્લા બે કલાકમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે સુરત સિટીમાં પણ બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આગામી દિવસોમાં હજુ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સુરતમાં ધોધમાર વરસાદના પગલે કૈલાસ નગર ખાતે મોટું વૃક્ષ ધરાશાયી થયું છે. જેમાં ત્રણ કાર દટાઇ હોવાની માહિતી મળી રહી છે. કારમાં બેસેલા લોકોને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સદનસિબે કોઇ મોટી જાનહાનિ થઇ નથી.

ચાર ઈંચ વરસાદથી ઓલપાડ તાલુકાની હાલત બગડી ગઈ છે. ઓલપાડ સાયણ રોડ પર પાણી ભરાયા છે. જ્યારે ઓલપાડ હાથીસા રોડ પર પણ પાણી ભરાઈ ગયા છે. ઓલપાડ, સાયણ સહિતના ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઓલપાડના મુખ્ય બજારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાથી અનેક લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. જેને પગલે વાહનવ્યવહારને અસર પહોંચી છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો

ધીમીધારે વરસી રહેલા વરસાદે ધોધમાર આકાશી પાણી વરસાવ્યું છે.ઓલપાડમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા છે.શાળાએ જતા-આવતા બાળકો, નોકરી ધંધે જતા નોકરિયાતો, ધંધાર્થીઓ સૌ કોઈને વરસાદની અસર પહોંચી છે. ભારે વરસાદના પગલે જનજીવન ઠપ્પ જોવા મળી રહ્યું છે.