જૂઓ ફોટો: મુંબઈ ફરી પાણીમાં, 24 ક્લાકમાં 8 ઈંચ વરસાદ, ટ્રેન વ્યવહાર ઠપ્પ

પાછલા 24 ક્લાકથી મુંબઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ફરી એક વાર માયાવીનગરી પાણી-પાણી થઈ ગઈ છે. ટ્રેન અને વિમાન સેવા સુદ્વા પ્રભાવિત થયા છે. રસ્તાઓ પર ટ્રાફીક થંભી ગયું છે અને લોકો જ્યાં છે ત્યાં જ અટવાઈ ગયા  હોવાની જાણકારી મળી રહી છે. ઈન્ડીયન મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટે આગામી 24 ક્લાક દરમિયાન મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી રોડ, રસ્તા અને ટ્રેન વ્યવહાર માટે એલર્ટ જારી કર્યું છે. શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

ભારે વરસાદના કારણે ટ્રેક પર પાણી ફરી વળતા કલ્યાણ રેલવે સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યું છે. નવી નોટીસ ન આવે ત્યાં સુધી કલ્યાણ સ્ટેશન બંધ રહેશે. વસઈ અને વિરાર વચ્ચેનો ટ્રેન વ્યવહાર પણ સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. પાછલા 24 ક્લાક દરમિયાન મુંબઈમાં સરેરાશ આઠ ઈંચ વરસાદ ખાબકી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

દહીંસરની નદી ફરી એક વાર ઓવરફ્લો થઈ જવા પામી છે. નાલાસોપારામાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. અગમચેતીના પગલા તરીકે નેશનલ પાર્કને બંધ કરી દેવામાં આવ્યું છે. પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે. દહીંસરની નદી ભયજનક સપાટી વટાવી તેવી આશંકા છે. કુર્લામાં મીઠી નદી ઓવરફ્લો થતાં 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

રસ્તાઓ પર સરેરાશ બેથી પાંચ ફૂટ પાણી જોવા મળી રહ્યું છે. સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. થાણેથી સીએસટી સુધી ટ્રેન વ્યવહાર ખોટકાયું છે. કંજુર માર્ગ, વિક્રોલી અને કુર્લામાં પણ ટ્રેન વ્યવહારને માઠી અસર પહોંચી છે અને ટ્રેક પર પાણી ફરી વળવાના કારણે વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.