સુરત: ઘરેથી ગુસ્સામાં નીકળેલી વિદ્યાર્થિનીની ગળા પર દોરી બાંઘેલી હાલતમાં લાશ મળતા અરેરાટી

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી પંચશીલ નગરમાં કિરણ રાજુભાઈ ખેરનાર(ઉ.વ.૧૬) માતા પિતા સાથે રહેતી હતી. અને મહારાષ્ટ્રમાં દાદી પાસે રહી ધોરણ ૧૧માં અભ્યાસ કરતી હતી. દોઢ મહિના પહેલાં જ માતા-પિતા પાસે આવી ગઈ હતી. ગત રાત્રે ૯ વાગ્યે ઘરેથી ગુસ્સામાં નીકળી ગઈ હતી. આખી રાત્રી પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સવારે ઘરથી ૨૦૦-૩૦૦ મીટર દૂર મૃત હાલતમાં મળી આવી હતી. અમરોલી પોલીસને અજાણ્યા ઇસમે ફોન કરી મૃતદેહ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને કિરણનો મૃતદેહ મોઢા અને ગળા પર દોરી બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો.

પરિવારે જણાવ્યું હતું કે, જ્યાંથી મૃતદેહ મળ્યો છે તે જગ્યા પર મળસ્કે ૩ વાગે લગભગ પાંચવાર શોધખોળ કરાઈ હતી. દરમિયાન મૃતદેહ ત્યાં ન હતો. મોઢા અને ગળા પર દોરી બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેથી હત્યાની આશંકા છે. અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી છે. પરિવારની માંગને લઈને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વધુ તપાસ અમરોલી પોલીસ કરી રહી છે.