સુરત: ગણેશ ઉત્સવમાં યુવાનો ભૂલ્યા ભાન, જાહેર રસ્તા પર દારુની છોળો ઉડાડી, પોલીસ એક્શનમાં

સુરતમાં ગણેશ ઉત્સવની શરૂઆત થઈ અને ઠેર-ઠેર ગણપતિની મૂર્તિઓની આસ્થા-શ્રદ્વા સાથે સ્થાપના કરવામાં આવી, ત્યારે સુરતના કોટસફીલ રોડ પર આવેલા ગોલવાડમાં કેટલાક યુવાનો શ્રીજીના જુલુસમાં દારુપીને છાકટા બન્યા હતા.છાકટા બનેલા યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને સુરત પોલીસ એક્શનમાં આવી હતી. સુરત પોલીસે ગોલવાડમાં દારુના અડ્ડાઓ પર રેડ કરી હતી.

ગણેસ ચતુર્થીના દિવસે કોટસફીલ રોડ પર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે અને આ માટે મૂર્તિઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્યારે કેટલાક યુવાનોએ જાહેરમાં દારુ પીધો હતો. બિયરની બોટલોની છોળો ઉડાડી હતી. દારુ પીધા બાદ આ યુવાનોએ રસ્તા પણ ડાન્સ કર્યો હતો.

વીડિયોમાં દેખાઈ રહ્યા મુજબ આ યુવકો બિંદાસ્ત બનીને એકબીજાને પીવડાવી રહ્યા હતા એ દરમિયાન પોતાના વીડિયો પણ ઉતરાવી રહ્યાં હતાં. ગીતના તાલે જાહેરમાં દારૂ પીનારા ધતિંગ કરી છાકટા થયા હોવાના ધતિંગ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

મહિધરપુરા પોલીસે જણાવ્યું હતું કે, વાયરલ થઈ રહેલા વીડિયોને આધારે તપાસ આદરવામાં આવી છે. સાથે જ હાલ પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા યુવકોની ઓળખ કરીને અટકાયત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પોલીસે ગોલવાડ વિસ્તારમાં ઘેરાબંધી કરી દરોડા પાડ્યા હતા.

આ વિસ્તારના ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું કે, આ રીતે જાહેરમાં જે પ્રકારનો વીડિયો વાયરલ થયો છે તે યોગ્ય નથી. આ અંગે તપાસ થવી જોઈએ. આરાધનાના પર્વમાં અયોગ્ય વર્તન ન થવું જોઈએ.

ગોલવાડ વિસ્તાર દારૂ માટે કુખ્યાત છે. જાહેરમાં દારૂ વેચાતો હોવાના અહેવાલો અગાઉ પણ આવી ચુક્યા છે. પોલીસ જ્યારે આ વિસ્તારમાં રેડ કરવા જતી ત્યારે મહિલાઓ દ્વારા પણ હુમલા થયા હતા.