કોઈ પણ સિંગર લતા મંગેશકરની જેમ ગાવાના પ્રયાસો કરે છે પણ બધી જ સિંગર કંઈ લતા મંગેશકર બની શકે નહીં. લતા મંગેશકર એક માત્ર લતા મંગેશકર છે. તાજેતરમાં રાનુ મંડલે લતાજીનું એક પ્યાર કા નગ્મા ગીત ગાયું અને તેઓ પોપ્યુલર બની ગયા. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર છવાઈ ગયા.
રાનુ મંડલ સાથે સંગીતકાર-સિંગર હિમેશ રેશમીયાએ બે ગીત રેકોર્ડ કર્યા છે. રિપોર્ટ પ્રમાણે સલમાન ખાને રાનુ મંડલને 55 લાખ રૂપિયાની કિંમત ધરાવતો ફ્લેટ ગિફટ કર્યો છે અને દંબગ-3માં રાનુ મંડલના કંઠે ગીત પણ ગવડાવવામાં આવી રહ્યું હોવાની અટકળો છે.
લતા મંગેશકરને રાનુ મંડલ વિશે ન્યૂઝ એજન્સી IANS દ્વારા પૂછવામાં આવ્યું તો લતા મંગેશકરે આનંદના રિએક્શન આપતા કહ્યું કે અગર મેરે નામ ઔર કામ સે કીસી કા ભલા હોતા હૈ તો મૈં અપને આપ કો ખુશ કિસ્મત સમઝતી હું.
તેમણે કહ્યું કે મને લાગે છે કે સફળતા માટે અનુકરણ-નકલ વિશ્વસનીય અને ટકાઉ સાબિત થતું નથી. કિશોરદા, રફી સાબ, મુકેશ ભઈયાએ અનેક લોકોને પ્રેરણા આપી છે. પરંતુ તે ટકી શક્યા નથી. ટૂંકા સમય માટે અનુકરણ લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકે છે. લતાજીએ આ વાત 90ના દાયકાના ગીતો અંગે કહી હતી.
લતાજીએ કહ્યું કે ટેલિવિઝન પર અનેક બાળકો મારા ગીતો સુંદર રીતે ગાતા હોય છે પણ ત્યાર બાદ તેમને કોણ યાદ રાખે છે કે કરે છે. હું સુનિધિ ચૌહાણ અને શ્રેયા ઘોસલ વિશે જ જાણું છું.
અનુકરણ કરતાં ગાયકોને લતાજીની સલાહ છે કે “અસલ બનો. મારા દ્વારા અને મારા સાથીદારો દ્વારા સદાબહાર ગીતોને બધી રીતે ગાઓ. પરંતુ એક તબક્કા પછી ગાયકે પોતાનું ગીત ગાવું જોઈએ અને ચોક્કસપણે ગાવું જોઈએ.
તેમણે પોતાની બહેન આશા ભોંસલનો દાખલો આપતા કહ્યું કે જો આશાએ પોતાની શૈલીમાં ગાવાનો આગ્રહ ન કર્યો હોત અને મારી છાયામાં જ રહી જાત તો તેની પ્રતિભા ખીલી નહી હોત. પોતાની રીતે ગાવાની પ્રતિભા માણસને સફળતાના ઉંબરે લઈ જાય છે, આનું આશા ભોંસલે ઉદાહરણ છે.