કાશ્મીરી ડેલિગેશનને ’શાહ’નું વચન : પંદર દિવસમાં ફોન-ઇન્ટરનેટ પરથી પ્રતિબંધ હટશે

જમ્મુ અને કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદથી કાશ્મીર ઘાટીમાં સ્થિતિ હવે ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. ગૃહ મંત્રી અમિત શાહે કાશ્મીરી ડેલિગેશનને ભરોસો આપ્યો છે કે ઘાટીમાં આગામી બે સપ્તાહમાં મોબાઇલ અને ઇન્ટરનેટની સેવાઓ સામાન્ય થઈ જશે. આ દરમિયાન સરકારે જાહેરાત કરી છે કે ત્યાંના પંચ અને સરપંચને ૨-૨ લાખ રૂપિયા વીમો આપવામાં આવશે.

ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે કાશ્મીરના ૨૨ ગામના પંચ અને સરપંચો સાથે મુલાકાત કરી. આ એ જ લોકો હતો જે આતંકીવાદીઓની સતત ધમકીઓ છતાંય ચૂંટણી લડ્યા. વિશેષમાં આ બેઠકમાં ગૃહ મંત્રાલયના અનેક અધિકારી પણ સામેલ થયા.ગત સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જમ્મુ-કાશ્મીરમાં વિકાસની પહેલ પર ભાર મૂકતાં કેન્દ્રીય મંત્રીઓ સાથે ક્ષેત્ર માટે યોજનાઓ અને પરિયોજનાઓ પર કામ કરવા માટે કહ્યું હતું.

તેઓએ તેની સાથે જ રાજ્યના એ અધિકારીઓ અને સ્ટુડન્ટની સાથે સંવાદ કાયમ કરવાનું આહ્વાન કર્યુ જે હાલના સમયમાં દેશના અલગ-અલગ હિસ્સાઓમાં રહે છે.૫ ઓગસ્ટે કેન્દ્ર તરફથી આર્ટિકલ-૩૭૦ની મોટાભાગની જોગવાઈઓ ખતમ કરી જમ્મુ-કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધા હતા. હાલ ઘાટીના ૯૦ ટકાથી વધુ હિસ્સામાં દિવસમાં પ્રતિબંધ નથી અને સ્થિતિમાં સુધારને જોતાં ૯૨ પોલીસ સ્ટેશન ક્ષેત્રોમાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે.

ખાનગી વાહનો રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં ઓટો રિક્ષા અને એક જિલ્લાથી બીજા જિલ્લામાં જવા માટે કેબ પણ ચાલી રહી છે. ઘાટીના મોટાભાગના વિસ્તારોમાં અવચણો હટાવી દેવામાં આવી છે પરંતુ કાયદો-વ્યવસ્થા કાયમ રાખવા માટે સુરક્ષા દળ તહેનાત રાખવાામં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘાટીમાં ૯૫ ટેલીફોન એક્સચેન્જોમાંથી ૭૬માં લેન્ડલાઇન સેવાઓ ચાલુ કરવામાં આવી છે. આ સેવા વેપારી વિસ્તાર લાલ ચોક અને પ્રેસ એન્ક્‌લેવમાં હજુ પણ બંધ છે.