EDનો સપાટો: અહેમદ પટેલની ચૂંટણીમાં ગુજરાતના ધારાસભ્યો માટે રિસોર્ટની ગોઠવણ કરનારા કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારની ધરપકડ

કર્ણાટક કોંગ્રેસના ટ્રબલ શૂટર તરીકે જાણીતા થયેલા ધૂરંધર નેતા ડીકે શિવકુમારની ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા આજે સાંજે શિવકુમારને હિરાસતમાં લેવામાં આવ્યા છે. તેમને હવે પછી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ડીકે શિવકુમારની ગઈકાલે પૂછપરછ કરવામાં આવી હતી. ગણેશ ચતુર્થીના દિવસે શિવકુમારની લાંબી પૂછપરછ કરાઈ હતી. આ અંગે શિવકુમારે ગઈકાલે કહ્યું હતુ કે આજે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે મારા પિતાની ધાર્મિક ક્રિયા કરવાની હતી પણ ઈડીએ મને એ માટે સમય આપ્યો નથી.

ડીકે શિવકુમાર પર આરોપ છે કે તેમણે સાત કરોડ રૂપિયાનું મની લોન્ડરીંગ કર્યું છે. ગઈ રાત્રે અગિયાર વાગ્યા સુધી શિવકુમારની પૂછપરછ કરવામાં આવી હતી. શિવકુમાર કનકપુરા વિધાનસભાના ધારાસભ્ય છે અને કર્ણાટક કોંગ્રેસ માટે ટ્રબલ શૂટરની ભૂમિકા ભજવતા આવ્યા છે.

અહેમદ પટેલની 2017માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કર્ણાટક ખાતે શિવકુમારે જ ગુજરાતના ધારાસભ્યોને રિસોર્ટની વ્યવસ્થા કરી આપી હતી. ત્યાર બાદ શિવકુમાર પર આવકવેરા અને ઈડીની તપાસનો ધમધામાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો.