PM મોદીએ દિલ્હીમાં કર્યું ગરવી ગુજરાત ભવનનું ઓપનીંગ, ગુજરાત સરકારની મૂક્ત કંઠે કરી આવી રીતે પ્રશંસા

PM નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગુજરાત ભવનનું ઉદ્વાટન કર્યું હતું. કોંગ્રેસ કાર્યાલયની સામે જ સાત માળનું નવું ગુજરાત ભવન બાંધવામાં આવ્યું છે, જેનું નામ ગરવી ગુજરાત ભવન રાખવામાં આવ્યું છે. PM મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નવુ ગુજરાત ભવન અકબર રોડ પર બાંધવામાં આવ્યું છે. બે વર્ષ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત ભવનનું ખાતમુહુર્ત કર્યું હતું. આ ભવનમાં 79 રૂમની સાથે વીઆઈપી લોન, પબ્લિક લોન અને મલ્ટીપર્પઝ હોલ બનાવવામાં આવ્યા છે. એક સાથે બે હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગરવી ગુજરાત ભવનનું ઉદ્વાટન કરવા સાથે PM મોદીએ કહ્યું કે ઘણા વર્ષો પછી કેટલાક લોકોને જોવાનો મોકો મળ્યો છે. કોઈ પણ આનું ઉદ્વાટન કરી શકતો હતો પણ મને ઉદ્વાટન કરવાનો મોકો મળ્યો એની પાછળનો ઈરાદો એ છે કે હું તમે લોકોને મળી શકું. હું જ્યારે ગુજરાતમાં હતો તો છડેચોક કહેતો હતો કે હું જેનો શિલાન્યાસ કરું છું એનું ઉદ્વાટન પણ હું જ કરું છું.

PM મોદી પોતાની સ્પીચ દરમિયાન ગુજરાતના ભોજનનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે બ્રાન્ડીંગ યોગ્ય હોય તો ગુજરાતી ભોજન પણ પોતાની અલગ અલગ ઓળખ ઉભી કરી શકે એમ છે. હું ઈચ્છું છું કે લોકો ગુજરાતી ભોજન શોધતા ગુજરાત ભવન આવે. મીઠું ભોજન હોવાથી ઉત્તર ભારતના લોકોને ગુજરાતી ભોજન ભાવતું ન હતુ, પણ તેઓ પણ સારું ગુજરાતી ભોજન શોધી રહ્યા છે.

તેમણે કહ્યું કે કેટલાક વર્ષોથી ગુજરાતનો વિકાસ દર 10 ટકા રહ્યો છે. છ વર્ષમાં ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે ઘણું કામ કર્યું છે. ઉજ્જવલા યોજના અને પીએમ આવાસ યોજનાને લાગુ કરવામાં ગુજરાત ઘણું આગળ વધી રહ્યું છે. વિશ્વના મોટા મેગેઝીન સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચર્ચા કરી રહ્યા છે. ખાસ કરીને ટૂરિઝમ સાથે જોડાયેલી બાબતોને લઈ ગુજરાતની ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી અનેક અચડણો દુર થઈ ગઈ છે. 2024 સુધી દરેક ઘરમાં પાણીની સુવિધા ઉભી કરવામાં જરૂર સફળ થઈ જઈશું.