સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આજે નર્મદા ડેમની સપાટી 135 ફૂટની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. સરકારના ટોચના સુત્રો મુજબ, સપ્ટેમ્બરના પહેલા વીકમાં નર્મદાની સપાટી 138 મીટર સુધી લઈ જવાનું આયોજન છે. જો હજુ પણ આ જ રીતે ઉપરવાસમાં વરસાદ પડશે અને નવા નીરની આવક થશે તો આગામી ચારથી પાંચ દિવસમાં નર્મદાની સપાટી 138 મીટર સુધી પહોંચશે. નર્મદા ડેમમાં પાણીની સારી આવક થઇ જતાં હવે રાજ્યમાં બે વર્ષ સુધી પાણીની કટોકટીમાંથી મુક્તિ મળશે.
ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમની કુલ સપાટી 138.62 મીટર છે. નર્મદા બંધના ઉપરવાસમાંથી બે લાખ અઢાર હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે નર્મદા ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. જેમાંથી 1 લાખ 88 હજાર ક્યુસેક પાણી ડેમમાંથી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે. નર્મદાનો ગોરા બ્રિજ ફરીવાર ડૂબી ગયો છે. જો, નર્મદાની સપાટી 138 મીટર પર પહોંચશે તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારના આસપાસના 10 ગામો ડૂબી શકે તેમ છે. હાલ તેમના પુનર્વસનની કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે.