ચંદ્રયાન-2 મિશન અંતર્ગત આજે ઓર્બિટરથી વિક્રમ લેન્ડરને સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 20 ક્લાક સુધી વિક્રમ લેન્ડર પોતાના મુખ્ય સ્ત્રોત ઓર્બિટરની પાછળ-પાછળ બે કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ચક્કર કાપશે. ભારતીય અંતરીક્ષ અનુસંધાન(ઈસરો) વૈજ્ઞાનિકો માટે આ એક મોટી સફળતા છે, હવે તેમની સમક્ષ મોટી ચેલેન્જ પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ કરાવવાની છે.
વિક્રમ લેન્ડરનું નામ અંતરીક્ષ કાર્યક્રમના જનક વિક્રમ સારાભાઈના નામે રાખવામાં આવ્યું છે. ભારતે રશિયા પાસેથી લેન્ડરની માંગ કરી હતી પણ રશિયાએ પોતાનું લેન્ડર આપવાનો ઈન્કાર કર્યો હતો. ત્યાર બાદ ભારતીય વૈજ્ઞાનિકોએ અથાક પરિશ્રમ કરીને સ્વદેશી લેન્ડર વિકસિત કર્યું હતું અને તેનું નામ વિક્રમ લેન્ડર રાખ્યું હતું.
સાતમી સપ્ટેમ્બર ચંદ્રયાન-2 માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક દિવસ બની રહેશે કારણ કે વિક્રમ લેન્ડર ચંદ્ર પર ઉતરશે. 6 અને 7 સપ્ટેમ્બર વચ્ચેની રાત્રીએ 1.30થી 1.40 વચ્ચે વિક્રમ લેન્ડર 35 કિમીની ઉંચાઈએથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ શરૂ કરશે. તે વખતે તેની ઝડપ 200 મીટર પ્રતિ સેકન્ડની રહેશે. વૈજ્ઞાનિકો માટે આ દિવસો પડકારભર્યા બની રહેવાના છે.
તે જ દિવસે રાત્રે 1.55 ક્લાકે વિક્રમ લેન્ડર દક્ષિણ ધ્રુવ પર હયાત બે ક્રેટર મેજિનસ-સી અને સિંપેલિયસ-એન વચ્ચે ઉતરશે. અંદાજે 6 કિમીની ઉંચાઈએથી લેન્ડર બે મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચંદ્રની સપાટીને ટચ કરશે. આ પંદર મીનીટ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. રાત્રે 3.55 વાગ્યે લેન્ડીંગના બે ક્લાક પછી વિક્રમ લેન્ડરનું રેંપ ખૂલશે અને આની મારફત જ 6 વ્હીલવાળું પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે.
સવારે 5.05 વાગ્યે પ્રજ્ઞાન રોવરની સોલાર પેનલ ખૂલશે. આ પેનલ દ્વારા તે વીજ હાંસલ કરશે અને સવારે 5.10 વાગ્યે પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ફરવાનું શરૂ કરશે. તે વખતે રોવર એક સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી લગભગ 14 દિવસ સુધી ચંદ્રની સપાટીનું ભ્રમણ કરસે અને 500 મીટરનું અંતર કાપશે.