તત્કાલ ટિકિટ બૂકિંગમાંથી રેલવેને થઈ અધધધ..આટલા હજાર કરોડની આવક

તત્કાલ ટિકિટ બૂકિંગ સેવા રેલવે માટે દૂધ આપતી ગાય સમાન સાબિત થઈ છે. આ સેવાના કારણે રેલવેને છેલ્લા 2016થી 2019 દરમિયાન ચાર વર્ષમાં 25000 કરોડ રૂપિયાની આવક થઈ છે.

આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી માહિતીના જવાબમાં રેલવેએ ઉપરોક્ત ખુલાસો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, તત્કાલ સેવાનો 1997થી કેટલીક પસંદગીની ટ્રેનો માટે પ્રારંભ થયો હતો. એ પછી 2004માં આખા દેશમાં આ સેવાને લાગુ કરવામાં આવી હતી. આ ટિકિટ માટે સેક્ન્ડ ક્લાસમાં મૂળ ટિકિટ કરતા 10 ટકા વધારે અને બાકીની કેટેગરીમાં ટિકિટની ઓરિજિનલ કિંમત કરતા 30 ટકા વધારે રકમ લેવામાં આવે છે.

2014માં પ્રીમીયમ તત્કાલ સેવા શરુ કરવામાં આવી છે. જેમાં છેલ્લી ઘડીએ ટિકિટ બૂક કરાવવા માંગતા વ્યક્તિએ સીટની ઉપલબ્ધતાના આધારે ટિકિટ માટે પૈસા ચુકવવા પડે છે. હાલમાં 2677 ટ્રેનોમાં તત્કાલ ટિકિટ સેવા ચાલુ છે.