NRCની યાદી જાહેર થતાં જ આસામમાં કોહરામ, 19 લાખ લોકોની બાદબાકી, લોકો પાસે બચ્યો આ વિકલ્પ

આસામમાં NRCની ફાઈનલ યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં 19 લાખ, 6 હજાર 667 લોકોના નામ સામેલ થયા નથી. એનઆરસી સ્ટેટ કો-ઓર્ડીનેટર પ્રતીક હજેલાએ જણાવ્યું કે 3 કરોડ, 11 લાખ, 21 હજાર લોકોને એનઆરસીની યાદીમાં જગ્યા મળી છે અને 19, 06,667 લોકોના નામોની બાદબાકી કરવામાં આવી છે.

હવે જે લોકોના નામ એનઆરસીની યાદીમાં આવ્યા નથી તેમની પાસે વિકલ્પ છે કે તેઓ 120 દિવસની અંદર ફોરનર્સ ટ્રીબ્યૂનલમાં અપીલ કરી શકે છે. આસામ સરકાર 400 જેટલા વિદેશી ન્યાયાધિકરણની રચના કરશે. આ કોર્ટ એવા મામલની સુનાવણી કરશે જેમના નામ નેશનલ સીટીઝન રજિસ્ટર(NRC)માં સામેલ થયા નહીં હોય.

અધિક મુખ્ય સચિવ કુમાર સંજય કૃષ્ણાએ કહ્યું કે 200 ટ્રીબ્યુનલ બનાવવામાં આવશે. આ ટ્રીબ્યુનલ NRC લિસ્ટમાંથી બાદ થયેલા લોકોના કેસ જોશે. આ ઉપરાંત જ્યાં સુધી ટ્રીબ્યુનલ ભારતીય નાગરિક નહીં ગણવાનો ચૂકાદો આપી નહીં દે ત્યાં સુધી NRCની અંતિમ યાદીમાંથી બાદબાકી કરાયેલા લોકોને ત્યાં સુધી હિરાસતમાં લેવામાં આવશે નહી.

ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે NRCની યાદી આજે સવારે 10 વાગ્યા પ્રસિદ્વ કરવામાં આવી હતી. જેની પાસે ઇન્ટરનેટ નથી, તે લોકો રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા સેવા કેન્દ્રોમાં જઈને પોતાનું સ્ટેટસ જાણી શકે છે. બીજી તરફ, કોઈ પણ અપ્રિય ઘટનાનો સામનો કરવા માટે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા છે. સરકારના અનુરોધ પર 51 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે.

એનઆરસીની આ ફાઇનલ યાદી 31 જુલાઈએ પ્રકાશિત થવાની હતી, પરંતુ રાજ્યમાં પૂરના કારણે એનઆરસી ઑથૉરિટીએ તેને 31 ઑગસ્ટ સુધી લંબાઈ દીધી હતી. આ પહેલા 2018માં 30 જુાલઈએ એનઆરસીની ફાઇનલ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. યાદીમાં સામેલ ન થયેલો લોકોને ફરી વેરિફિકેશન માટે એક વર્ષનો સમય આપ્યો હતો.