મહારાષ્ટ્રના ધૂળેમાં આવેલા શિરપુરની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાના કારણે 12 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 58 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટના અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. અમિત શાહે કહ્યું કે મહારાષ્ટ્રના ધૂળેમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી જાણકારી મેળવી છે. રાજ્ય સરકાર જરૂરિયાતમંદોને સહાયતા કરી રહી છે. શોક સંતપ્ત પરિવારોની સાથે મારી સંવેદના છે.
મુખ્યમંત્રી ફડણવીસે પણ ઘટના અંગે દુખ વ્યકત કર્યું છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
જાણવા મળ્યા મુજબ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ એટલો બધો હતો અનેક કિલોમીટર સુધી તે સંભળાયો હતો. આ ઘટના શિરપુરમાં સવારે દસ વાગ્યે બની હતી. ધૂળે એસપી વિશ્વાસ પઢારે પ્રમાણે આગમાં દાઝી જવાથી 58 લોકો ઈજા પામ્યા છે. માર્યા જનારીની સંખ્યા 12 બતાવવામાં આવી રહી છે.
વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી. શંકા છે કે હજુ પણ લોકો ફેક્ટરીની આગમાં ફસાયા છે. ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે મોજુદ છે.