ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા એટલે કે વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મોટો ફટકો પડ્યો છે. પરેશ ધાનાણીના ગઢના કાંગરા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ખેરવવાની શરૂઆત કરી દીધી છે.
આજે ભાજપની ધારી ખાતે યોજાયેલ ટીફીન મીટીંગમાં ધારીનાં કોંગ્રેસ પ્રમુખ પોતાના ટેકેદારો સાથે ભાજપમાં જોડાય જતા કોંગ્રેસ પક્ષમાં સન્નાટો છવાય ગયો છે.
આજે ધારી ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્તમ રૂપાલા, ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી, પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ નારણભાઈ કાછડીયા, મનીષ સંઘાણી, કૌશીકભાઈ વેકરીયા સહિતના ભાજપની આગેવાનોની ઉપસ્થિતિમાં ધારી તાલુકાની ટીફીન મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતુ.
આ પ્રસંગે ધારી કોંગ્રેસનાં પ્રમુખ પરેશ પટણી તથા તેમનાં ૬૦ જેટલા ટેકેદારોએ આજે કોંગ્રેસને રામ રામ કરી ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. આ તમામ કોંગી કાર્યકરો તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં 370ની કલમ નાબુદ કરવામાં ભાજપ પક્ષે જે કામગીરીથી પ્રભાવિત થઈ અને કોંગ્રેસ છોડવાનુ નક્કી કર્યુ હતુ અને નરેન્દ્ર મોદી તથા ભાજપ માટે કામ કરવા અને દેશનાં વિકાસમાં સહભાગી થવા માટે થઈ ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો.
આમ અમરેલી જિલ્લામાં જે વિપક્ષી નેતા પરેશ ધાનાણીનો ગઢ ગણાય છે તેમાં કોંગ્રેસ પક્ષ છોડી કોંગી કાર્યકરો ભાજપમાં જોડાતા ધાનાણીનાં ગઢમાં ગાબડા પડી રહ્યા છે.