તહેવારની સિઝનમાં જો તમને બજારમાં ’મેડ ઇન ચાઇના’ લખેલા રમકડાં, ઇલેક્ટ્રોનિક સમાન, મોબાઇલ, વીજળીનો સમાન, સુશોભનનો સમાન વગેરે ઓછો જોવા મળે તો નવાઇ ન પામતા. હકીકતમાં ચીન દ્વારા આતંકવાદ અને પાકિસ્તાનને સાથ આપવાને કારણે દેશના વેપારીઓએ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
ચીન દ્વારા સતત ચોથી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને ખુલ્લું સમર્થન આપવામાં આવતા દેશના વેપારીઓ ખૂબ નારાજ છે. વેપારીઓએ જાહેરાત કરી છે કે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું અભિયાન પ્રથમ સપ્ટેમ્બરથી આખા દેશમાં ચલાવવામાં આવશે.
કોન્ફેડરેશન ઑફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે સરકાર પાસેથી માંગણી કરી છે કે ચીનમાંથી આયાત થતા સામાન પર વધારેમાં વધારે કર લગાવવામાં આવે તેમજ સ્થાનિક ઉદ્યોગો માટે ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવે. સંગઠને ચીનના સામાન પર ૫૦૦ ટકા સુધી સીમા કર લગાવવાની સરકાર પાસેથી માંગણી કરી છે.