ઇન્ડિયન રેલવે ટ્યુરિઝમ એન્ડ કેટરિંગ કોર્પોશનને અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અને દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસ દોડાવવા માટેની જવાબદારી સોંપી દેવામાં આવી છે. પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં આ બે ટ્રેનોને ત્રણ વર્ષ માટે IRTC ચલાવનાર છે. દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસને લઇને એવી માહિતી સપાટી પર આવી છે કે આ ટ્રેન સપ્ટેમ્બરથી દોડનાર છે. રિપોર્ટ પ્રમાણે તેજસ એક્સપ્રેસનું ભાડું ફ્લાઈટના ભાડાં કરતા 50 ટકા ઓછું હોવાની સંભાવના છે.
અમદાવાદ-મુંબઇની વચ્ચે ચાલનાર તેજસ એક્સપ્રેસનુ સંચાલન નવેમ્બર મહિનાથી કરવામાં આવનાર છે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડતી આ ટ્રેનના કારણે લોકોને ખુબ ફાયદો થનાર છે. પીપીપી મોડલના આધાર પર દોડનાર આ ટ્રેન માટે રેલવે બોર્ડ દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આ ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ સુધી દોડનાર છે. આનુ ભાડુ રાજધાની-શતાબ્દીની જેમ ડાયનેમિક રાખવામાં આવનાર છે. રેલવે બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા બ્લુ પ્રિન્ટ મુજબ આ ટ્રેનોમાં કોઇ છુટછાટ અને વિશેષાધિકાર અથવા તો ડ્યુટી પાસની મંજુરી આપવામાં આવનાર નથી.
રેલવે દ્વારા એમ પણ કહેવામાં આવ્યુ છે કે IRTCને સોંપી દેવામાં આવેલી ટ્રેનોમાં ટિકિટ ચકાસણી માટેનુ કામ રેલવે સ્ટાફ દ્વારા કરવામાં આવનાર નથી. અલબત્ત ટ્રેનોના એક અલગ નંબર રાખવામાં આવનાર છે. આને રેલવે સ્ટાફ-લોકો, પાયલોટ, ગાર્ડ તેમજ સ્ટેશન માસ્ટર દ્વારા સંચાલન કરવામાં આવનાર છે. ભાડાને લઇને હાલમાં કોઇ સ્પષ્ટ વાત કરવામાં આવી નથી.