સુરતમાં PSI રાવલ બૂટ સાથે ઘૂસી ગયા મસ્જિદમાં, થયો વિવાદ, મુસ્લિમ સમાજમાં રોષ

સુરતના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ કેડી રાવલ બૂટ પહેરીને મસ્જિદમાં ઘૂસી ગયા હતા. આને લઈ સુરતના મુસ્લિમ સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. મુસ્લિમ સમાજના આગેવાનોએ અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈને આ અંગે રજૂઆત કરી પીએસઆઈ રાવલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. મોટી સંખ્યામાં લોકો અઠવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પીઆઈ કુવાડીયાની સમજાવટથી હાલ મામલો થાળે પાડવામાં આવ્યો છે.

સુરતના ગોપીપુરા મોમનાવાડમાં આવેલી વર્ષો જૂની ટંડેલની મસ્જિદમાં જૂમ્માની નમાઝના સમયે પીએસઆઈ કેડી રાવલ અને અન્ય ચાર પોલીસવાળા બૂટ સાથે મસ્જિદમાં ઘૂસી ગયા હતા. મસ્જિદના ટ્રસ્ટીઓ અને આગેવાનોએ પીએસઆઈ રાવલને મસ્જિદ જેવા પવિત્ર સ્થળનું સન્માન કરવાનું કહેતા તો જવાબ મળ્યો કે મસ્જિદમાં આરોપીઓને શોધવા આવ્યા છીએ.

સ્થાનિક યુવાન જાવીદ સાયકલવાલાએ કહ્યું કે પીએસઆઈ આવ્યા તે સમયે જૂમ્માની નમાઝનો સમય હતો અને મોટી સંખ્યામાં લોકો મસ્જિદમાં હતા. બૂટ સાથે પીએસઆઈ આવ્યા હતા અને અમારી સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. કોઈને શોધવા આવ્યા હોવાનું જણાવી પાછળથી ગમે તેમ ભાષાનો ઉપયોગ કર્યો છે. મસ્જિદ જેવી પવિત્ર જગ્યાનું માન જાળવવાના બદલે પીએસઆઈ અને પોલીસવાળાઓ એક રીતે મુસ્લિમ સમાજના લોકોની ઉશ્કેરણી કરી રહ્યા હોવાનું તે સમયે લાગ્યું હતું. અઠવા પીઆઈને રજૂઆત કરી છે અને પોલીસ કમિશનરને પણ લેખિતમાં રજૂઆત કરી પીએસઆઈ રાવલ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

સૈયદ રૂકનુદ્દીન બાવાએ મીડિયાને કહ્યું કે પીએસઆઈ રાવલ દ્વારા મસ્જિદમાં આવી રીતે ઘૂસી જઈને પવિત્ર જગ્યાનું માન જાળવવામાં આવ્યું નથી. બૂટ સાથે મસ્જિદમાં દાખલ થઈને મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવવાનું કામ કર્યું છે. તેમની સામે કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે.

અઠવાના પીઆઈ કુવાડીયાને રજૂઆત કરાતા તેમણે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અને ત્યાર બાદ આખોય મામલો થાળે પડ્યો હતો.