પાંચ હજાર કરોડનાં કૌભાંડમાં અહેમદ પટેલનો પુત્ર ફૈઝલ પટેલ ઈડી સમક્ષ હાજર, પૂછપરછ શરૂ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનો પુત્ર ફૈઝલ પટેલ ગુરુવારે નવી દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં હાજર થયો હતો. ઈડી દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત સ્થિત સ્ટર્લિંગ બાયોટેક દ્વારા કરોડોની બેંક છેતરપિંડી અને પૈસાની લેતીદેતીના આક્ષેપોની ઈડી તપાસ કરી રહ્યું છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ બુધવારે કહ્યું કે, કોંગ્રેસનાં ખજાનચી અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને સ્ટર્લિંગ બાયોટેક સ્કેમ મામલે પુછપરછ મામલે સમન્સ મોકલવામાં આવ્યું છે. ફૈઝલ પટેલને સાંડેસરા બંધુઓ (ચેતન જયંતિલાલ સંડેસરા અને નીતિન જયંતીલાલ સંડેસરા), વડોદરા સ્થિત ફાર્માસ્યુટિકલ કંપનીના માલિકો અને પ્રમોટરો સાથેના કથિત સંબંધો અને મની લોન્ડરિંગ એક્ટની કલમો હેઠળ નોંધાયેલા તેમના નિવેદનો માટે પૂછપરછ કરવામાં આવી રહી છે. 30મી જુલાઇએ નાણાકીય તપાસ એજન્સીએ પણ તપાસના સંદર્ભમાં અહેમદ પટેલના જમાઈ અને એડવોકેટ ઇરફાન સિદ્દીકીની પૂછપરછ કરી હતી.

ઇડી અધિકારીઓના જણાવ્યા અનુસાર સંડેસરા જૂથના કર્મચારી સુનીલ યાદવે આરોપ લગાવ્યો છે કે સિદ્દીકી અને ફૈઝલ પટેલને ચેતન સાંડેસરા દ્વારા કથિત કોડ નામો અપાયા હતા. યાદવએ એજન્સીને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, ચેતન અને ગગને સિદ્દીકીને ઇરફાન ભાઈ તરીકે ઓળખાવ્યા હતા. ઇરફાનના કોડનું નામ ‘આઇ 2’ હતું અને ફૈઝલને કોડ નામ ‘આઇ 1’ આપવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ફૈઝલ પટેલ તેના મિત્રોને પુષ્પાંજલિ ફાર્મ્સ પાર્ટીમાં લઈ જતા હતા અને તમામ ખર્ચ ચેતન સાંડેસરાએ ઉઠાવતો હતો.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તેમની સામે રૂ .5,700 કરોડની બેંક છેતરપિંડીનો કેસ દાખલ થયા બાદ ઇડીએ સાંડેસરા બંધુઓ અને અન્ય લોકો સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો.