કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકાર સાથે અનેક મુદ્દાઓ પર અસંમતિ દર્શાવી છે પણ તેમણે સ્પષ્ટ કર્યું છે કે જમ્મૂ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે અને પાકિસ્તાન કે અન્ય કોઈ દેશ આમાં દખલ કરી શકે નહીં.
રાહુલ ગાંધીએ પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું કે પાડોશી દેશ જમ્મૂ-કાશ્મીરમાં હિંસા ભડકાવી રહ્યો છે અને આતંકવાના સમર્થન માટે દુનિયાભરમાં જાણીતો છે.
બે દિવસ જી-સેવન શિખર સંમેલનમાં પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી રીતે કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો મામલો છે અને તેને બન્ને દેશો જ ઉકેલશે, ત્રીજા દેશની મધ્યસ્થતાની જરૂર નથી. આ ઘટનાક્રમ બાદ રાહુલ ગાંધીનું નિવેદન રાજકીય રીતે મહત્વનું છે.
રાહુલ ગાંધીએ ટવિટ કરી કહ્યું કે કાશ્મીરમાં પાકિસ્તાનના કારણે હિંસાની ઘટનાઓ બની રહી છે. હું મોદી સરકાર સાથે અનેક મુદ્દા પર અસહમત છું પણ એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે અને પાકિસ્તાન કે અન્ય કોઈ દેશ તેમાં દખલ કરી શકે નહીં.
તેમણે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં હિંસા છે અને પાકિસ્તાન દ્વારા તેને ભડકાવવા તથા સમર્થન આપવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદના સમર્થક રૂપે સમગ્ર વિશ્વમાં જાણીતો છે.
પાછલા કેટલાક સમયથી રાહુલ ગાંધી જમ્મૂ-કાશ્મીરની સ્થિતિને લઈ સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ સરકારને ઘેરીને કહ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરમાં બધું બરાબર નથી. રાહુલે મોદી સરકારના જમ્મૂ-કાશ્મીરના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો હતો. આ ઉપરાંત વિપક્ષના નેતાઓ સાથે કાશ્મીર જઈ રહેલા રાહુલ ગાંધીને શ્રીનગર એરપોર્ટ પરથીજ પાછા રવાના કરવામાં આવ્યા હતા.