સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. પાણીનો મોટો જથ્થો નર્મદા નદીમાં આવતા 20 દિવસમાં જ ત્રીજીવાર નદીમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 28.40 ફૂટે પહોંચી ગઈ છે. હાલ ભરૂચ પાસે નર્મદા નદી તેની ભયજનક સપાટી 25 ફૂટથી 4 ફૂટ ઉપર વહી રહી છે. જેને કારણે નદી કાંઠાના 20 ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમ ઓવરફ્લો થતાં રોજન 6 કરોડ રૂપિયાની વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
નર્મદા નદીએ ભયજનક સપાટી ક્રોસ કરતા ભરૂચ સિટી, અંકલેશ્વર અને ઝઘડિયાના 20 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. આ એલર્ટને પગલે તંત્ર સ્ટેન્ડબાય પરિસ્થિતિમાં આવી ગયું છે. મંગળવારે ત્રીજાવર ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીએ તેની 24 ફૂટની સપાટી વટાવી હતી. હાલ તો તે સાડા ચાર ફૂટ ઉપર વહી રહી છે, જે કાંઠે રહેતા લોકો માટે ખતરાની ઘંટી સમાન છે.
નદીનું લેવલ વધતા ગોલ્ડન બ્રિજ પાસે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. હાલ લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો તંત્ર દ્વારા નદીની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. નર્મદા નદી તેનું ભયજનક લેવલ પાર કરતે તો ભરૂચ સિટી, ખાલપીયા, સરકુદ્દીન, જૂના કાંસીયા, દશઆન બેટ, કબીરવેટ બેટ, કોયદી, ઘતુરીયા, તરીયા અને બાવલી ગામો સૌથી પહેલા પ્રભાવિત થાય છે. જેથી આ ગામોમાં સૌથી પહેલા પાણી ભરાય છે.