ધુતારી ‘ઢબુડી માતા’નાં આલિશાન બંગલા અને ઓફિસે તાળાં

ઢબુડી માના ધતિંગનો પર્દાફાશ થતાં રૂપાલની જોગણી તરીકે ઓળખાતાં ધનજી ઓડ માટે દિવસે ને દિવસે મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ઢબુડી મા અંગે ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદના જે આલિશાન બંગલોમાં રહે છે, તે હકીકતમાં ભાડે રહે છે. અને મકાનમાલિકે ધનજીને બંગલો ખાલી કરી દેવા માટે નોટિસ આપી છે. તો પોલીસમાં અરજી બાદ જ્યારે પોલીસ ઢબુડી માના ચાંદખેડા સ્થિત ઘરે પહોંચી તો ત્યાં તાળાં લાગેલાં છે.

અંધશ્રદ્ધાની આડમાં લોકોનાં વિશ્વાસ સાથે ખેલ રમતાં ધનજી માટે હવે દિવસો કપરાં સાબિત થઈ રહ્યા છે. ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, ધનજી ઓડનો ચાંદખેડા સ્થિત બંગલો ભાડે લીધેલો છે. અને ઢબુડી મા દર મહિને બંગલાનું ૩૬ હજાર ભાડૂં ચૂકવે છે. તો મીડિયામાં ઢબુડી માના ધતિંગનો પર્દાફાશ થતાં મકાનમાલિકે ધનજી ઓડને બંગલો ખાલી કરી દેવા માટે નોટિસ આપી છે.

તો ગઈકાલે ધનજી ઓડ સામે બોટાદના એક પિતાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે અરજીને લઈ પોલીસ ઢબુડી માના ચાંદખેડા સ્થિત બંગલો પર પહોંચી હતી. પણ પોલીસ અરજી થતાં જ ઢબુડી ઘરને તાળાં મારીને પરિવાર સાથે ક્યાંય ફરાર થઈ ગયો છે. એટલું જ નહીં, પોલીસે ચાંદખેડા સ્થિત ઓફિસ ઉપર પણ તપાસ કરવા ગઈ હતી. પણ ત્યાં પણ તાળાં લાગેલાં જોવા મળ્યા હતા.