ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્વ ફાટી નીકળશે: લવારે ચઢેલા પાકિસ્તાનના મંત્રીએ તારીખ પણ આપી દીધી

જમ્મૂ-કાશ્મીર મામલે બેબાકળા થયેલા પાકિસ્તાનના નેતાઓના લવારા બંધ થઈ રહ્યા નથી અને સતત સનેપાતીયા નિવેદનો કરી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અણુ ધમકી આપી હતી તો તેમના મંત્રીઓ અલેલટપ્પુ જેવા નિવેદનો કરી રહ્યા છે. પાકિસ્તાન સરકારના રેલવે મંત્રી શેખ રશીદે ફરી એક વાર યુદ્વની ભવિષ્યવાણી કરી છે અને આ વખતે તેમણે યુદ્વની તારીખ પણ આપી દીધી છે.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ દુનિયા ટીવી પ્રમાણે બુધવારે એક સેમિનારમાં પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદે કહ્યું કે હું ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્વ થતું જોઈ રહ્યો છું અને આજે હું કોમને તૈયાર કરવા માટે આવ્યો છું. શેખ રશીદે કહ્યું કે પાકિસ્તાની સેના પાસે જે હથિયાર છે તે માત્ર દેખાડા માટેના નથી પણ ઉપયોગ કરવા માટે છે.

પોતાના સંબોધનમાં પાકિસ્તાની મંત્રીએ કહ્યું કે અમે સંયુક્ત રાષ્ટ્રની સમક્ષ વારંવાર આ મામલાને ઉઠાવતા રહ્યા છીએ. હું ફરી એક વાર પીઓકેના પ્રવાસે જવાનો છું. પાકિસ્તાન અંતિમ શ્વાસો સુધી કાશ્મીર માટે લડતો રહેશે. પાકિસ્તાનના પત્રકારે શેખ રશીદના નિવેદનનો વીડિયો પણ ટવિટર પોસ્ટ કર્યો છે.

જણાવી દઈએ કે શેખ રશીદ એ જ મંત્રી છે જેમના પર લંડનમાં ઈંડાનો વરસાદ કરવામાં આવ્યો હતો. જ્યારે તેઓ લંડન પહોંચ્યા તે પહેલાં તેમણે ભારત પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્વની વાત કરી હતી. લંડનમાં લોકોએ તેમની ધોલાઈ કરી અને ઈંડાનો વરસાદ વરસાવ્યો હતો.

શેખ રશીદ આવી રીતે સતત ભારત વિરોધી ઝેર ઓકતા રહ્યા છે. તેમણે પહેલાં પણ કહ્યું હતું કે જો ભારત પીઓકે પર હુમલો કરે છે તો એ ભારતીય ઉપમહાદ્વિપનું સૌથી મોટું યુદ્વ હશે અને આનાથી સંપૂર્ણ નક્શો બદલાઈ જશે.

સાંભળો વીડિયો…