કલમ 370: તમામ અરજીઓ પર ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં સુનાવણી

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370 હટાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓ પર બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પાંચ જજોની બંધારણીય બેન્ચ સમક્ષ આ અરજીઓ મોકલી આપતા હવે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં તમામ અરજીઓ પર સુનાવણી થશે. હાલમાં પાંચ જજોની બંધારણીય બેન્ચ અયોધ્યા કેસ પર સુનાવણી કરી રહી છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને નોટિસ જાહેર કરી છે. અરજદાર જામિયાના વિદ્યાર્થી સાથે સીપીઆઈ નેતા સિતારામ યેચુરી પણ હતા. સુપ્રીમ કોર્ટે અરજદારોને કાશ્મીર મુલાકાત માટે જવા પરવાનગી આપી છે, પરંતુ નિર્દેશ પણ આપ્યો છે કે તેઓ ત્યાં મુલાકાત વખતે કોઈ વધારાની પ્રવૃતિ ના કરે.

સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં લોકો પર મૂકાયેલા પ્રતિબંધ મુદ્દે પણ સરકાર પાસે સાત દિવસમાં જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે. જામિયાના વિદ્યાર્થી મોહમ્મદ અલીમ સૈયદને પોતાના પરિવારને મળવા માટે અનંતનાગ જવાની મંજૂરી સુપ્રીમ કોર્ટે આપી છે. અરજદારે જણાવ્યું કે તે પોતાના પરિવાર સાથે સંપર્ક નથી કરી શકતો અને તેને તેના વાલીઓને મળવું છે. ચીફ જસ્ટિસે જણાવ્યું કે, ‘તમને તમારા વાલીઓના ખબરઅંતર પૂછવા અનંતનાગ જવાની મંજૂરી આપવામાં આવે છે.’ ઘરેથી પરત દિલ્હી આવ્યા બાદ કોર્ટમાં એક એફિડેવિટ ફાઈલ કરવાનો નિર્દેશ પણ કોર્ટે અરજદારને આપ્યો હતો.