ભાજપનું ટેન્શન વધારતી અલ્પેશ ઠાકોરની ચૂંટણી અંગેની આ મોટી જાહેરાત, જાણો શું કહ્યું

કોંગ્રેસના વજનદાર હોદ્દાઓ ત્યાગીને ભાજપમાં જોડાયેલા રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપના નેતાઓનું ટેન્શન વધારી દીધું છે. અલ્પેશ ઠાકોરે ભાજપની નેતાગીરીને અલ્ટીમેટમ આપ્યું હોય તેમ પેટાચૂંટણીમાં ઉમેદવારી કરવાને લઈ સ્પષ્ટ કહ્યું છે કે હવ ચૂંટણી ક્યાંથી લડવી એ હું જ નક્કી કરીશ.

ભાજપની નેતાગીરીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે અલ્પેશ ઠાકોરને અન્ડરએસ્ટીમેટ કરતા નહીં. ભાજપે હજુ રાધનપુરથી ચૂંટણી લડવા માટે ટીકિટ ફાઈનલ નથી કરી ત્યારે અલ્પેશે ત્રણ દિવસ પછી પ્રચારના પ્રારંભની જાહેરાત પણ કરી દેતાં શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના નામે પ્રશનાર્થ મૂકાઈ ગયો છે.

અલ્પેશ ઠાકોરે રાધનપુરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરીને ભાજપમાં પણ પોતાની શક્તિ બતાવવા માંડી છે. રાધનપુરથી ત્રણ ચાર દિવસ બાદ પ્રચાર કાર્ય શરૂ કરવાની પણ તૈયારીઓ આદરી છે. અલ્પેશ ઠાકોરની આવી વાતથી ભાજપના નેતાઓ હબક ખાઈ ગયા છે.