સરકારની મોટી રાહત: નવી 75 મેડીકલ કોલેજ ખોલવામાં આવશે

કેન્દ્ર સરકારે દેશમાં 75 નવી મેડિકલ કોલેજ ખોલવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી હતી. 75 નવી મેડિકલ કોલેજોના નિર્માણ માટે 24 હજાર કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી દેશભરમાં 15700 નવી મેડિકલ સીટો બનશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે તમામ નવા મેડિકલ કોલેજ ત્યાં બનશે જ્યાં મેડિકલ કોલેજ નથી. તેમણે જાણકારી આપી કે, ગત પાંચ વર્ષોમાં MBBS અને પીજીને મેળવીને 45 હજાર સીટો વધારવામાં આવી હતી અને આજ સુધી 82 નવી કોલેજ તથા 75 અન્ય મેડિકલ કોલેજોને મંજૂરી મળી છે.

પીએમ મોદીના નેતૃત્વમાં મળેલી બેઠકમાં શેરડીના ખેડૂતોને 60 લાખ મેટ્રિક ટન ખાંડ નિકાસ કરવા માટે એક્સપોર્ટ સબસિડી આપવાનો નિર્ણય પણ કર્યો છે. આ યોજના પર 6268 કરોડ રુપિયા ખર્ટચ થશે. જે સીધા ખેડૂતોના ખાતામાં જ જમા થશે.

આ સિવાય સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે, 286 મિલિયન ડોલરનું FDI ભારતમાં આવશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ દરમિયાન જણાવ્યું કે, કોલસાના માઇનિંગ અને તેના વેચાણ માટે 100 ટકા FDIને મંજૂરી આપવામાં આવશે. તેની સાથે સંકળાયેલા અન્ય કામો માટે પણ 100 ટકા FDIને મંજૂરી આપવામાં આવશે.