અમિત શાહનું ગુજરાત આગમન થઈ રહ્યું છે ત્યારે મંત્રી મંડળના વિસ્તરણની અટકળો જોરમાં

ભાજપ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્‌’ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી એ જણાવ્યુ હતુ કે,  ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28મી ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

અમિત શાહ ગુજરાતના પ્રવાસ દરમિયાન ભાજપના નેતાઓ સાથે રૂપાણીના મંત્રીમંડળમાં ફેરફાર કરવાની ચર્ચા કરી શકે છે.આ ઉપરાંત સંગઠનમાં આમૂલ પરિવર્તન કરી ગુજરાત ભાજપના સંગઠનની બાગડોર સોંપવા અગે પણ નિર્ણય લઇ શકે છે.ગુજરાત ભાજપના નેતાઓ અમિત શાહના આ મુલાકાતને મહત્વની માની રહ્યાં છે.

સમગ્ર દેશ વર્ષોથી જેની રાહ જોઇ રહ્યો હતો તેવા કાશ્મીરમાંથી 370 અને 35એની કલમને હટાવવાના ઐતિહાસિક નિર્ણય લીધા બાદ દેશના ગૃહમંત્રી અમિતશાહ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને ભાજપના કાર્યકરો તેમને આવકારવા અને અભિનંદન આપવા થનગનાટ અનુભવી રહ્યા છે. તારીખ 28મી ઓગસ્ટના રોજ રાત્રે નવ વાગ્યે તેઓ અમદાવાદ આવશે ત્યારે એયરપોર્ટ પર ભાજપ કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાશે.

આગામી તારીખ ૨૯ ઓગસ્ટના રોજ અમિત શાહ સવારે 10.15 વાગ્યે સાયન્સ સીટી રોડ, અમદાવાદ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત મીલેનીયમ ટ્રી કાર્યક્રમના સમાપન પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ વિશ્વની સૌ પ્રથમ બેટરી સંચાલિત સીટીબસને પ્રસ્થાન કરાવશે.

ત્યારબાદ ભારત સરકારના ‘દિશા’ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાનાર બેઠકમાં બપોરે ત્રણ કલાકે ઉપસ્થિત રહેશે તેમજ ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલીયમ યુનિવર્સીટીના સાતમા પદવીદાન સમારોહમાં સાંજે પાંચ વાગ્યે અમિત શાહ ઉપસ્થિત રહેશે. તારીખ 29મી ઓગસ્ટના રોજ રાત્રે તેઓ દિલ્હી જવા રવાના થશે.