સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોરદાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદી આગાહી કરવામાં આવી હતી અને ગઈ રાતથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હાલ પવનના સૂસવાટા સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ અને અંકલેશ્વરમાં પણ વરસાદે ફરી દેખા દીધી છે. હવામાન વિગાભની આગાહી સાચી પડી છે. વચ્ચે વરસાદે વિરામ લેતા તાપ અને બફારો થઈ રહ્યો હતો.  અચાનક વરસાદ શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હાલ વરસાદના કારણે અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે. સુરત, નવસારી સહિત અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. તો બીજી બાજુ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. છેલ્લા બે દિવસથી વાદળ છાયા વાતાવરણથી સાથે બાફ વધ્યું હોવાથી બફાયા હતા. પરંતુ સોમવારે મોડી રાત્રે વરસાદે વાતાવરણને ઠંડક કરી દીધું હતું. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરી જનોને ગરમીથી રાહત મળી છે.