20 દિવસમાં ફરી વાર નર્મદાએ વટાવી ભયજનક સપાટી, ડેમમાંથી છોડાયું 5,52,315 ક્યુસેક્સ પાણી

સરદાર સરોવર નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવકને પગલે ડેમમાંથી 5,52,315 ક્યુસેક પાણી છોડાતા એની સુધી અસર ભરૂચ વિસ્તારના લોકોને પડી છે,ભરૂચના ગોલ્ડન બ્રિજે નર્મદા 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 25 મીટરે પહોંચી છે. નર્મદા નદીમાં છોડાતા પાણીને કારણે ભરૂચ ગોલ્ડન બ્રિજની સપાટી સતત વધી રહી છે.જેને પગલે નર્મદા નદી કાંઠાના 20 જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.

બીજી તરફ પાલિકા તંત્ર તેમજ વહિવટી તંત્ર દ્વારા ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક્ના ઝુંપડાવાસીઓને ગત સાંજે પાણી વધવાનું છે તો ખસી જવા કહેવામાં આવ્યું હતું. તેમના માટે આવાસ યોજનામાં તમામ વ્યવસ્થા ગોઠવાઇ છે.પરંતુ આજે સવારે નર્મદા 25 ફૂટની ઉપર વહેતા નર્મદા કિનારે ઝુંપડા બાંધી રહેતા લોકોના ઝુંપડામાં પાણી ફરી વળતા તેઓ રસ્તા ઉપર આવી સામાન ખસેડવામાં લાગી તંત્ર દ્વારા કોઇ દરકાર ન લેવાતી હોવાના, કોઇ સુચના ન અપાયાના આક્ષેપો કરી રહ્યા છે.

આ અંગે પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ મીડિયાને જણાવ્યું કે ગત રોજ ભરૂચ નદીકાંઠાના વિસ્તારો ફૂરજા દાંડીયા બજાર સહિત તમામને પાણી વધવાના હોઇ એલર્ટ કરી સલામત સ્થળે ખસી જવા સુચના આપવામાં આવી હતી. આજે નર્મદા તેની ભયજનક સપાટી વટાવી 25 ફૂટની ઉપર વહેતા તેમના ઝુંપડાઓ પાણીમાં ગરકાવ થયા છે. તેમના માટે ગુરૂદ્વારાના સહયોગથી રહેવાની અને ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.તેમજ હજુ પણ જે લોકો ખસ્યા નથી તેમને તેમનો સામાન સાથે તાત્કાલિક તંત્ર દ્વારા ઉભી કરાયેલી વૈકલ્પીક વ્યવસ્થાના સ્થળે જવા સુચન કરાયું છે.