સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ ગઈ રાતથી ભારે બેટીંગ કરી છે. કેટલીક જગ્યાએ ઝરમર સાથે વરસાદ વરસી રહ્યો છે તો કેટલીક જગ્યાએ વરસાદે માઝા મૂકી છે. અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. સવારે 6થી 10 સુધીમાં છોટાઉદેપુરના ક્વાંટ અને પાવીજેતપુરમાં 6 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
છોટાઉદેપુરના ક્વાંટમાં 6 ઈંચ, પંચમહાલના હાલોલમાં 6 ઈંચ, પાવી જેતપુરમાં 6 ઈંચ, છોટાઉદેપુરમાં 5.5 ઈંચ, આણંદમાં 2.8 ઈંચ, જાંબુઘોડામાં 2 ઈંચ અને વડોદરમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં ઘણી જગ્યાએ 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
અરબી સમુદ્રમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 3 દિવસ સુધી વરસાદી વાતાવરણ જોવા મળશે. જોકે 3 દિવસ બાદ ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
29 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ત્યાર બાદ બે દિવસ મધ્યમથી સામાન્ય વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદને લઈને ઠંડક પ્રસરી ગઈ છે જ્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.