સ્માર્ટ સિટી સુરતમાં જાહેર રસ્તા પર ડાઈંગ હાઉસો છોડી દે છે ઝેરી કેમિકલનું પાણી, જૂઓ વીડિયો

સ્માર્ટ સિટીમાં સુરતનો સમાવેશ કરવામાં આવ્યો પણ તે બધું કાગળ પર જ ચાલી રહ્યું હોવાનું જણાય છે. અશ્વિનીકુમાર રોડ પર આવેલા ભવાની સર્કલથી લઈને ફૂલ માર્કેટ સુધીના વિસ્તારમાં આવેલા 10 જેટલા ડાઈંગ હાઉસો વરસાદી સિઝનમાં જાહેર રસ્તા પર ઝેરી કેમિકલનું પાણી છોડી દે છે અને તેમન સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ આ અંગે કહ્યું કે ડાઈંગ હાઉસોના ઝેરી પ્રદુષણ અંગે સુરત મનપાની ડ્રેનેજ કમીટીમાં વારંવાર રજૂઆત કરી છે. પાછલા અઢી વર્ષથી આ અંગે ભાજપ શાસકોનું ધ્યાન દોરવામાં આવે છે. પોલ્યુશન બોર્ડને પણ લેખિતમાં ડાઈંગ હાઉસો દ્વારા છોડાતા પાણી અંગે રજૂઆત કરાઈ છે પરંતુ હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.

દિનેશ કાછડીયાએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી વધુમાં કહ્યું કે આ ભયંકર પ્રદૂષણ મુદ્દે વારંવાર વિવિધ સ્તરે રજૂઆતો કરી છે, પરંતુ સુરત મનપા કે જીપીસીબી કયા કારણોસર ચૂપ રહે છે? આ વિસ્તારમાં આવેલી ડાઇંગ મીલો દ્વારા ખતરનાક ઝેરી રસાયણયુક્ત પાણી જ્યારે પણ વરસાદ ચાલુ થાય ત્યારે ખુલ્લા રોડ પર છોડવામાં આવે છે. બાજુમાં રહેણાંક વિસ્તારમાં આવેલો છે ત્યાંના લોકોનાં આરોગ્યનાં ભોગે મનપા-જીપીસીબી-ડાઇંગ મિલ્સની ભ્રષ્ટ સાઠગાંઠથી ચાલી રહેલો આ ભયંકર ખેલ ક્યારે બંધ થશે?

જૂઓ વીડિયો.

.