નક્સલવાદી નેતા કોબડ ગાંધીની સુરતના કેસમાં ધરપકડ, જાણો શું હતો આખો કેસ

નક્સલી પ્રવૃત્તિના નવ વર્ષ જૂના કેસમાં વોન્ટેડ માઓવાદી નેતા કોબડ ગાંધીને ઝારખંડથી ટ્રાન્સફર વોરંટ દ્વારા સુરત જિલ્લા પોલીસે અરેસ્ટ કર્યો છે અને કઠોરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોબડ ગાંધી પર નક્સલી પ્રવૃત્તિ કરવાના આરોપ મૂકવામાં આવેલા છે. કોર્ટામાં રજૂ કરી પોલીસે રીમાન્ડ માંગ્યા છે.

68 વર્ષીય કોબાડ ગાંધી સામ્યવાદી અને માઓવાદી-નક્સલવાદી નેતા છે. તે પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયા (માઓવાદી)ના નેતા છે. કોબડ ગાંધીને શહેરી વિસ્તારોમાં માઓવાદી પ્રભાવ ફેલાવવા અને તેની પ્રચાર વિંગ ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી અને તે મુજબ કોબડ ગાંધીએ સુરત જિલ્લામાં નક્સલી પ્રવૃતિ શરૂ કરી હતી. પોલીસના ધ્યાને આખોય મામલો આવતા 2010માં કોબડ ગાંધી વિરુદ્વ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

મધ્ય અને ઉત્તર ભારતમાં નક્સલવાદી આંદોલનનો ઝડપથી પ્રસાર થવા છતાં માઓવાદી વિચારને મજબૂત કરવામાં નિષ્ફળતા મળતા આદિવાસી પટ્ટી ધરાવતા ઓરિસ્સા, બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં માઓવાદી માસ ઓર્ગેનાઈઝેશન(SUCOMO) દ્વારા માઓવાદી વિચારધારાને મજબૂત કરવાનું કામ કોબડ ગાંધી કરે છે.