ચિદમ્બરમને ઝટકો, સુપ્રીમ કોર્ટે કર્યો આગોતરા જામીનની અપીલ પર સુનાવણીનો ઈન્કાર

સુપ્રમી કોર્ટે આઈએનએક્સ મીડિયા કૌભાંડમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા ભ્રષ્ટાચારના કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમની આગોતરા જામીનની અપીલને ફગાવી દેવાને પડકારતી અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે આગોતરા જામીન રદ્દ કરવાના દિલ્હી હાઈકોર્ટના ચૂકાદા વિરુદ્વ ચિદમ્બરમની અપીલનો કોઈ અર્થ નથી કારણે કે ચિદમ્બરમ હાલ સીબીઆઈની હિરાસતમાં છે.

જસ્ટીસ આર.ભાનુમતિ અને જસ્ટીસ એ.એસ.બોપન્નના બેન્ચે કહ્યું કે ચિદમ્બરમ કાયદા હેઠળ ઉપાય શોધી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમની સીબીઆઈ હિરાસતની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. હવે તેમને નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં સીબીઆઈ રિમાન્ડની મુદ્દત વધારવાની માંગ કરશે.

હાલ સુપ્રીમ કોર્ટ આઈએનએક્સ મીડિયા સાથે સંકળાયેલા કૌભાંડ અંગેના કેસની સુનાવણી કરી રહી છે અને ઈડીએ દાખલ કરેલા કેસ પર દલીલો સાંભળી રહી છે.