ભાજપના નેતાઓને મારી નાંખવા વિપક્ષ કરી રહ્યો છે બ્લેક મેજિક: સાધ્વી પ્રજ્ઞાસિંહ

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી અને એમપીના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરને શ્રધ્ધાંજલિ આપતા કાર્યક્રમમાં ભાજપના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે ફરી એક વખત એવી વાત કરી તેની ચારેતરફ ચર્ચા શરૂ થઈ ગઈ છે. સાંસદ ઠાકુરે કહ્યું કે જ્યારે હું ચૂંટણી લડી રહી હતી ત્યારે એક મહારાજ મારી પાસે આવ્યા હતા અને તેમણે મને કહ્યું હતું કે બહુ ખરાબ સમય ચાલી રહ્યો છે. વિપક્ષ મારક શક્તિનો પ્રયોગ કરી રહ્યો છે, ભાજપ અને તેના નેતાઓ માટે. આવામાં આપ સાવધાન રહેજો. આ ભાજપને નુકશાન કરવા માટે કરવામાં આવી રહ્યું છે.

પ્રજ્ઞાસિંહ ઠાકુરે કહ્યું કે મહારાજે કહ્યું હતું કે આ બ્લેક મેજિક ભાજપના કર્મઠ, યોગ્ય અને પાર્ટીનું સંચાલન કરતાં લોકો પર અસર કરશે અને તેમને નુકશાન પહોંચાડી શકે છે. તમે પણ નિશાના પર છું, જેથી ધ્યાન રાખજો. તે વખતે મહારાજની વાતને આટલી બધી ભીડમાં ચાલતા-ચાલતા સાંભળી અને ભૂલી ગઈ હતી. પણ આજે જોઉં છું તો હકીકતમાં અમારા ટોચના નેતાઓ સુષ્માજી, ગૌરજી, જેટલીજી પીડા સહન કરીને જઈ રહ્યા છે. આ જોઈને મનમાં આવ્યું થે કે શું આ સાચું તો નથીને? કારણ કે આપણી વચ્ચેથી આપણું નેતૃત્વ સતત જઈ રહ્યું છે. ભલે તમે ભરોસો કરો કે ન કરો પણ આ સાચું છે અને આ સાચું થઈ રહ્યું છે.

પ્રજ્ઞાસિંહ ઠાકુરના નિવેદનને લઈ મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી જ્યવર્ધનસિંહે કહ્યું કે આ એક દુર્ભાગ્યપૂર્ણ વાત છે તે સાંસદે આવી રીતે નિવેદન આપ્યું છે. અરુણ જેટલી, બાબુલાલ ગૌર અને સુષ્મા સ્વરાજ એમ બધા જ વરિષ્ઠ નેતાઓ છે અને અમે તેમને સારી રીતે જાણતા હતા. બધા સન્માનીય નેતા રહ્યા. વિપક્ષ બ્લેક મેજિક કરે છે તે વાત દુર્ભાગ્યપૂર્ણ છે અને તેમણે પોતાના શબ્દો પાછા લેવા જોઈએ.