કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં દિલ્હી હાઈકોર્ટના આદેશની સામે દાખલ કરેલી અપીલ ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરને કહ્યું કે તેઓ યોગ્ય અદાલતમાં જઈને નિયમિત જામીન લે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અરજી 21 ઑગસ્ટે તેમની ધરપકડ થઈ ત્યારે જ નિષ્ફળ થઈ ગઈ હતી. કોર્ટે ચિદમ્બરમની સીબીઆઈ કસ્ટડી 30મી ઓગષ્ટ સુધી વધારી દીધી છે.
સુનાવણી ઈડી મામલે બંને પક્ષના વકીલો વચ્ચે આકરી દલીલો ચાલી હતી. સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલે કહ્યું કે સીબીઆઈએ ચિદંબરમને પુછ્યું કે, શું તમારું ટ્વિટર અકાઉન્ટ છે? આ કેવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે? 26 કલાકની પરીક્ષા અને કાંઈ પણ તેમની પાસે નથી રાખવામાં આવ્યું.
ઈડીની તરફથી સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, કેસ ડાયરી હંમેશા કોર્ટને આપવામાં આવે છે. જેના પર કપિલ સિબ્બલે કહ્યું કે કોર્ટનો આદેશ છે કે ઈડીની કેસ ડાયરી પુરાવા તરીકે રજૂ ન કરી શકાય.
ઈડીવાળા મામલામાં સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી રહેલા કપિલ સિબ્બલે કહ્યું કે પુરાવા રૂપે દિલ્હી હાઈકોર્ટના જજની નોટ, દસ્તાવેજ, ડાયરી સોંપવામાં આવી. તેમણે કહ્યું કે પૂછપરછ દરમિયાન આ દસ્તાવેજો પી ચિદંબરમને ન બતાવવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલે કહ્યું કે એવું ન થઈ શકે કે તેઓ અદાલતમાં કોઈ દસ્તાવેજ ન આપે કે ન બતાવે અને હું તેના પર ધ્યાન આપવાનો હકદાર નથી. તેઓ તેને મીડિયામાં લીક કરી દે છે.