પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રજોગ ટેલિવિઝન સંબોધનમાં ઉકળાટ અને બેબાકળુંપણું ફરી છતું થયું છે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પત્રકાર પરિષદ બાદ ઈમરાન ખાને પાકિસ્તાનના લોકોને સંબોધન કર્યું અને કહ્યું કે 27મી સપ્ટેમ્બરે યુનોની જનરલ એસેમ્બલીમાં બોલશે ત્યારે કાશ્મીર મુદ્દો પણ વિશ્વ મંચ પર લઈ જવામાં આવશે. કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં સફળ થયા અને વિશ્વના નેતાઓ તથા દૂતાવાસો સાથે વાત કરી છે. 1965 પછી પ્રથમ વખત યુનોમાં કાશ્મીર મુદ્દે બેઠક બોલાવી. આંતરરાષ્ટ્રીય માધ્યમોએ પણ તેની નોંધ લીધી છે.
વળી ઈમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાની સૈન્ય ભારત દ્વારા થતી કોઈ પણ હરકતને અટકાવવા જાગ્રત છે. ભારત નાદાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભારત હંમેશા પાકિસ્તાનને દોષી ઠેરવવાનું વલણ ધરાવે છે. કાશ્મીર સમસ્યાના અંતિમ સમાધાનનો સમય આવી ગયો છે જે છેલ્લા ઘણા દાયકાઓથી સળગી રહી છે.
ઈમરાન ખાને ઉમેર્યું કે જો સંઘર્ષ યુદ્ધ તરફ આગળ વધે છે, તો યાદ રાખો કે બંને દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે અને પરમાણુ યુદ્ધમાં કોઈ વિજેતા નથી અને તેની વૈશ્વિક અસર થશે. વિશ્વની મહાસત્તાઓની એક મોટી જવાબદારી છે, પછી ભલે તેઓ અમને ટેકો આપે કે નહીં, પાકિસ્તાન દરેક હદ સુધી જશે.
ઈમરાન ખાને પાકિસ્તાનના નાગરિકોને પણ દર અઠવાડિયે એક વાર – દર શુક્રવારે તેમના ઘરની બહાર નીકળી અને ‘કાશ્મીરીઓ સાથે એકતા’ વ્યક્ત કરવા વિનંતી કરી છે. તેમણે દાવો કર્યો હતો કે ખીણમાં રહેતા લોકો મદદ માટે પાકિસ્તાન તરફ જૂએ છે.
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જી-7 શિખર સંમેલનની બેઠક પછી તરત જ ઈમરાન ખાને સંબોધન કર્યું છે, જેમાં ભારતીય વડા પ્રધાને જણાવ્યું હતું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેની ‘દ્વિપક્ષીય’ બાબત છે. ભારત અને પાકિસ્તાન 1947 પહેલા એક સાથે હતા અને મને વિશ્વાસ છે કે બન્ને દેશો સમસ્યાઓ પર ચર્ચા કરી શકે છે અને હલ પણ કરી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય છે અને અન્ય દેશની દખલની કોઈ જરૂર નથી.