PM મોદીની ટ્રમ્પને સીધી વાત, કાશ્મીર દ્વિપક્ષીય મામલો, ત્રીજા દેશની જરૂર નથી

ફ્રાન્સની બિઆરિત્ઝ સિટીમાં પીએમ મોદી જી-7 શિખર સંમેલનમાં દુનિયાના અનેક દેશના શિર્ષ રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે ભારત અને પાકિસ્તાનના સંબંધોને લઈ ખૂલીને વાતો કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે મને આશા છે કે ભારત અને પાકિસ્તાન કશુંક સારું કરશે. બન્ને દેશોએ ગરીબી અને નિરક્ષરતા સામે લડવાનું છે.

આ સાથે જ તેમણે કાશ્મીર અંગે વાત કરતાં કહ્યું કે બન્ને દેશો વચ્ચે જે કંઈ પણ મુદ્દા છે તે દ્વિપક્ષીય છે. ભારત બીજા દેશોના મુદ્દાઓમાં દખલ કરતો નથી. જેથી કરીને અમે ઈચ્છીએ છીએ કે બીજા દેશો પણ અમારા આંતરિક મામલામાં દખલ કરવાનું કષ્ટ ન કરે. પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક દેશોના વડાઓની વચ્ચે કહ્યું કે ભારત અને પાકિસ્તાન બન્ને દેશોના લોકોએ સારું કરવા માટે કામ કરવું જોઈએ.

પીએમ મોદીએ કહ્યું ભારત અને પાકિસ્તા 1947 પહેલાં એક હતા. જેથી કરીને અમને વિશ્વાસ છે કે અમે અમારી સમસ્યાઓને વાતચીતના માધ્યમથી ઉકેલીશું. અમે જમ્મૂ-કાશ્મીરની સમસ્યાને પણ ઉકેલીશું. અમને આશા છે કે પાકિસ્તાન કશુંક સારું કરશે.

જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે અનેક વાર કાશ્મીર મામલે મધ્યસ્થાની ઓફર કરી છે. જ્યારે ભારતે કાશ્મીરને બે દેશો વચ્ચેનો મુદ્દો હોવાનું કહ્યું છે. પીએમ મોદીએ ટ્રમ્પની સામે જ કહ્યું કે ભારત અને પાકિસ્તાન મળીને સમસ્યાઓનું નિરાકરણ કરશે અને અન્ય કોઈ દેશે આમાં દખલ દેવાની જરૂર નથી.