ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા પીવી સિંધુએ રવિવારે સ્વીટઝરલેન્ડમાં BWF બેટમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ-2019ની ફાઈનલમાં નોઓમી ઓકુહારાને માત આપીને ઈતિહાસ સર્જી દીધો. બેટમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ-2019ની ફાઈનલમાં સિંધુએ જીત હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે.
વડાપ્રધાન મોદીએ સિંધુને અભિનંદન આપી કહ્યું કે વર્ષો સુધી સિંધુની સિદ્વિ ભારતીય ખેલાડીઓ અને રમતપ્રેમીઓને પ્રેરણા આપતી રહેશે અને આદર્શરૂપ બનશે. આ પહેલાં કોઈ પણ ભારતીય પુરુષ કે મહિલા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો ન હતો.
પીવી સિંધુએ જાપાનની ખેલાડી નોઓમી ઓકુહારાને સીધી સેટમાં 21-7, 21-7થી પરાજય આપ્યો હતો. આ મુકાબલો 38 મીનીટ સુધી ચાલ્યો હતો. આ જીત સાથે સિંધુએ ઓકુહારા વિરુદ્વ પોતાના કરીયર રેકોર્ડ 9-7થી નોંધાયો છે. 2017માં સિંધુને ઓકુહારાથી મળેલી હારનું પણ સાટું વાળ્યું હતું. 2017 અને 2018માં સિંધુએ રજત ચંદ્રક હાંસલ કર્યો હતો. જ્યારે 2013 અને 2014માં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. સિંધુ આ ગેમમાં શરૂઆતથી જ 5-1 સાથે આગળ રહી હતી અને ત્યાર બાદ 12-2થી આગળ થઈ ગઈ હતી.