નર્મદા ડેમના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે ડેમમાં પાણીની સપાટીમા વધારો નોંધાયો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 2 લાખ 31 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે અને હાલ નર્મદા ડેમની જળસપાટી 133.67 મીટર પહોંચી છે.
પાણીની આવક વધતા નર્મદા ડેમનાં 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ગોરા બ્રિજ પર ફરી વખત પાણી ફરી વળ્યાં છે અને આ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જ્યારે આજુબાજુના ગામોને ફરી સાવધ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે.
નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગનાં આકંડાઓ મુજબ, નર્મદા ડેમમાં હાલ 3390 એમસીએમ (MCM) પાણીનો લાઇવ જથ્થો ઉપલબ્ધ છે.
નર્મદા ડેમ સિવાય રાજ્યમાં આવેલા કૂલ 204 ડેમોમાંથી હાલ 32 ડેમો સંપૂર્ણ અકીલા ભરાઇ ગયા છે અને ઑવરફ્લો થઇ રહ્યાં છે. મધ્ય ગુજરાતમાં કૂલ 17 ડેમોમાંથી સાત ડેમો ઑવરફ્લો થઇ રહ્યાં છે. આ 17 ડેમોમાં તેની કૂલ સંગ્રહક્ષમતાની સામે 92.82 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં સપાટીમાં વધારો થવાની શક્યતા છે. ડેમ લેવલને મેઈનટેઈન કરવામાં આવી રહ્યું છે.