આ રીતે અમિતાભ બચ્ચન કરશે પોતાની પ્રોપર્ટીના ભાગલા, જાણો કોને શું મળશે?

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને થોડાં સમય પહેલાં પ્રોપર્ટીના ભાગલા પાડવા અંગે મોટો ખુલાસો કર્યો હતો. રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિના સેટ પર અમિતાભ બચ્ચને પોતાની સંપત્તિ અંગે આ સ્પષ્ટતા કરી હતી.

સોની ટીવી પર પ્રસારિત થતા રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિ-11માં શુક્રવારે કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં સમાજસેવિકા સિંધુ તાઈ સપકાલ હોટ સીટ પર હતા. સિંધુ તાઈ એક અનાથ આશ્રમ ચલાવે છે, જ્યાં અત્યાર સુધીમાં 1200 બાળકોને શરણ મળી ચુક્યુ છે. અમિતાભ સિંધુ તાઈને પૂછે છે કે તમારા આશ્રમમાં છોકરીઓ વધુ છે કે છોકરા, તો તેના જવાબમાં તાઈએ કહ્યું કે છોકરીઓ વધુ છે, હું પહેલા છોકરીઓને લઉં છું, તેમની સુરક્ષા વધુ જરૂરી છે.

સંધુ તાઈનો જવાબ સાંભળ્યા બાદ અમિતાભ બચ્ચન એક નાનકડી છોકરી વિશે તાઈને પૂછ્યું હતું. આ છોકરીને આશ્રમમાં કેટલાક લોકો છોડી ગયા હતા. તેના જવાબમાં સિંધુતાઈની પુત્રી મમતા કહે છે કે રાત્રે તેમને ફોન આવ્યો હતો કે તાઈ એક છોકરી જન્મી છે, તમે રાખી શકો છો ? નહીં તો અમે કશું બીજું વિચારીશું. આ સાંભળીને તાઈએ તેને રાખી લીધી. મમતાએ કહ્યું કે જ્યારે તે મળી ત્યારે તેની હાલત એટલી ખરાબ હતી કે તેને 10 દિવસ સુધી આઈસીયુમાં રાખવી પડી હતી. આ વાત સાંભળીને મહાનાયક અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા હતા.

અમિતાભ કહે છે કે મેં પહેલા પણ કહ્યું છે અને આજે પણ કહું છું કે હું જ્યારે મૃત્યુ પામીશ તો મારી જે પણ સંપત્તિ છે, થોડું ઘણું છે તે મારી પુત્રી અને પુત્રને અડધું અડધું મળશે. ભલે ગમે તે હોય, બંનેની વહેંચણી અડધી અડધી થશે.

નોંધનીય છે કે અમિતાભ બચ્ચન પાસે અંદાજે 460 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ બાબતનો ખુલાસો જયા બચ્ચનના ચૂંટણી ઉમેદવારી પત્રમાં થયો હતો. જયા બચ્ચન સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભામાં સાંસદ રહી ચૂક્યા છે.