રાજકોટ: જન્માષ્ટમીમાં સુરત અગ્નિકાંડના દ્રશ્યો થયા તરોતાજા, શ્રધ્ધાંજલિ સાથે મદદ નહીં કરનારા લોકોની ઝાટકણી

સુરતના સરથાણા રોડ પર આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 24 વિદ્યાર્થીઓના જાન ગયા બાદ તેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને આજે પણ ક્યાંકને ક્યાંક જાન ગુમાવનાર બાળકો માટે શ્રધ્ધાંજલિના કાર્યક્રમો રાખવામાં આવી રહ્યા છે.

આજે જન્માષ્ટમી છે. કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં સુરતના અગ્નિકાંડમાં જાન ગુમાવનારા બાળકોને શ્રધ્ધાંજલિ આપવા અનોખી થીમ બનાવી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. તક્ષશિલા આર્કેડ સહિત આજુબાજુના વિસ્તારોનો નકશો-મોડેલ બનાવવામાં આવ્યું છે, જાન ગુમાવનાર બાળકોના ફોટો મૂકી શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે.

શ્રધ્ધાંજલિની સાથે થીમમાં ઘટના બની ત્યારે ફોટો કે વીડિયો ઉતારી રહેલા લોકો પર ફિટકાર વરસાવવામાં આવ્યો છે. બારીઓમાં જોતી મહિલાઓને પણ ઉદ્દેશીને લખાયું કે તમારી ઓઢણીઓ ફેંકી બાળકોને બચાવી લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હોત તો કેટલાય ઘરના દિવા આજે પણ રોશન હોત.