અરુણ જેટલી હતા PM મોદીના ચાણક્ય, ગુજરાત રમખાણોનાં આરોપોમાંથી આવી રીતે બચાવ્યા હતા

પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલી આપણી વચ્ચે રહ્યા નથી. 66 વર્ષીય અરુણે જેટલીને શ્વાસ લેવામાં તકલીફ બાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સર્વસંમતિ સાધવામાં અરુણ જેટલીની મહારત હતી અને ભાજપ ઉપરાંત મીડિયાના કેટલાક લોકો જેટલીને પીએમ મોદીના ઓરિજનલ ચાણક્ય માનતા હતા.

2002માં નરેન્દ્ર મોદી માટે તેઓ તારણહાર સાબિત થયા હતા. મોદી ત્યારે મુખ્યમંત્રી હતા અને તેમના પર ગુજરાતના કોમી રમખાણોને લઈ આરોપ લાગ્યા હતા. તે સમયે માત્ર મોદી જ નહીં પણ અમિત શાહ માટે પણ જેટલી મદદગાર સાબિત થયા હતા કેટલીય વખત જેટલીના સત્તાવાર નિવાસ સ્થાન કૈલાશ કોલોનીમાં અમિત શાહ જોવા મળતા હતા. બન્નેને અનેક વખતે એક સાથે ભોજન કરતા પણ જોવામાં આવ્યા હતા.

2014માં નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવાની જાહેરાત થવાના કેટલાક સમય પહેલાં જેટલીએ રાજનાથસિંહ, નીતિન ગડકરી અને શિવરાજસિંહ ચૌહાણને એક સાથે લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ત્રણેય નેતાઓને મોદીના નામ પર સંમત કર્યા હતા. વ્યવસાયે વકીલ રહેલા જેટલી વાજપેયી સરકારમાં મંત્રી હતા અને મોદી પીએમ બન્યા તો અરુણ શૌરી અને સુબ્રમણ્યમ સ્વામીની વાતોને નજર અંદાજ કરી જેટલીને નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. મોદી તેમને ભાજપના અનમોલ રત્ન ગણાવી ચૂક્યા છે. મનોહર પરિકરની તબિયત ખરાબ થતાં રક્ષા મંત્રાલયનો વધારાનો ચાર્જ પર જેટલીને આપી દેવામાં આવ્યો હતો.

અરુણ જેટલીની ગણના સુશિક્ષિત વિદ્વાન મંત્રી તરીકે થાય છે. પાછલા 30 વર્ષથી કોઈની પણ સરકાર આવે જેટલી સત્તાતંત્રમાં અમીટ છાપ છોડનાર મંત્રી અને નેતા રહ્યા છે.

અતિશિસ્ત, વિનમ્ર અને રાજનીતિક રીતે ઉત્કૃષ્ટ રણનીતિકાર એવા જેટલી ભાજપ અને પીએમ મોદી માટે સંકટમોચક રહ્યા હતા. ચાર દાયકાની રાજકીય સફર બિમારીના કારણે આજે સંકેલાઈ ગઈ છે.