સાબરમતી ટ્રેનમાંથી મળેલી બાળકીનો ભેદ ખૂલ્યો, મહિલા બની હતી કુંવારી માતા, જાણો આખો મામલો

અમદાવાદના સાબરમતી-પાટણ ડેમુ ટ્રેનમાંથી મળી આવેલી 25 દિવસની બાળકીના કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. જેમાં આ બાળકીની સગી કુંવારી જનેતાએ બાળકીને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે. કુંવારી જનેતાએ જ તેના પ્રેમીની મદદથી બાળકીને મુકીને ફરાર થઈ ગઈ હતી. પોલીસે આ મામલે કુંવારી માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે.

ટ્રેનમાં બે દિવસ પહેલાં જ આ બાળકીને બિનવારસી હાલતમાં મુકી જનારા કેસમાં રેલવે પોલીસને સફળતા મળી છે. જેમાં એસઓજીએ હાલમાં સગીર મા અને તેની સાથે રહેનાર અને બાળકીને ટ્રેનના કોચમાં મુકવામાં મદદ કરનારા તેના બીજા પ્રેમી અરવિંદ મકવાણાને ઝડપી પાડયો છે. જેમાં તેની પુછપરછ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે

સગીર માતા પહેલાં હિમાંશુ પટેલ નામના રિક્ષા ચાલક સાથે અમદાવાદમાં રહેતી હતી. અને તેની સાથે લગ્ન કરવાની હતી. જો કે હિમાંશુ પટેલ તેને ગર્ભવતી બનાવીને ફરાર થઈ ગયો હતો. બાદમાં આ સગીર માતા વિસનગરના બાકરોલમાં રહેતા અરવિંદ મકવાણા નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી અને તેની સાથે પણ લગ્ન કરવાની હતી. જો કે લગ્નની વચ્ચે આ બાળકી નડતર રૂપ લાગતા તેને બે દિવસ પહેલા જ રેલવેના કોચમાં મુકીને જતા રહ્યાં હતા.

આ ગુનો રેલવે પોલીસની હદમાં બન્યો હોવાથી રેલવે એલસીબી, એસઓજીસહિતની તમામ ટીમો તપાસમાં લાગી હતી અને આખરે કુંવારી માતા, બાળકીને મુકી જનારા અરવિંદ સુધી પહોચી ગઈ હતી આ કેસમાં પોલીસ હવે બાળકીના અસલ પિતાને જાણવા માટે ડીએનએનો આશરો લેશે સાથો સાથ સગીરાને ગર્ભવતી બનાવીને ફરાર થઈ જનારા હિમાંશુ પટેલ સામે બળાત્કાર, અને પોક્સોની કલમ પણ લગાવવા જઈ રહી છે.