હીરા ઉદ્યોગમાં જન્માષ્ટમીથી જ વેકેશનનો માહોલ: કારીગરો વતન ભણી, બસ ભાડાનાં તોતીંગ ભાવ, દિવાળી ઉજવીને આવશે

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં જન્માષ્ટમીનો માહોલ જામ્યો છે. સુરતમાં હજારોની સંખ્યામાં રત્નકલાકારો રોજી રોટી માટે પોતાના વતન સૌરાષ્ટ્રમાંથી આવે છે અને હવે તેઓ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા વતન ભણી જઈ રહ્યા છે પણ હકીકત એવી છે કે હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી વચ્ચે અત્યારથી જ દિવાળી વેકેશનનો મૂડ જણાઈ આવી રહ્યો છે.

હિરા ઉદ્યોગમાં વૈશ્વિક ડગૂમગૂ વેપારના કારણે રફ હીરામાં પણ મંદી સર્જાઈ છે. કેટલાક કારખાનામાં ડચકાં ખાઈને ચાલી રહ્યા છે અને તેના કારણે કારીગરો બેકારીનો સામનો કરી રહ્યા છે. માલની ખપત થઈ રહી ન હોવાથી કારીગરો નવરાધૂપ બેસી રહ્યા છે. જન્માષ્ટમીથી જ કારખાના બંધ થઈ રહ્યા હોવાથી કારીગરોએ અત્યારથી જ વેકેશનનો માહોલ સર્જાઈ ગયો છે.

આ તકનો લાભ લઈને પ્રાઈવેટ લક્ઝરી બસનાં સંચાલકોએ ભાવ વધારી દીધા છે. અત્યારે હાલના સંજોગોમાં સુરતથી ભાવનગર-જામનગરની મુસાફરીના એક હજાર રૂપિયા ઉસેટી લેવામાં આવી રહ્યા છે. ખાનગી ટ્રાવેલર્સ દ્વારા બસ ભાડાંમાં તોતીંગ ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે. ગરજના માર્યા લોકો આ ભાવ આપવા માટે મજબૂર થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મંદી અને મોંઘવારીના મારના કારણે કારીગરો પોટલા-બિસ્તર તાણીને વતન ભણી પહોંચી રહ્યા છે. હવે કારીગરો સીધા દિવાળી ઉજવીને પરત ફરશે એવું કેટલાક સાથે વાત કરતા જણાઈ આવી રહ્યું છે.