નાણા મંત્રી નિર્મલા સીતારમણનો મહત્વનો નિર્ણય: FPI પર વધારાના સરચાર્જને પરત લેવાયો

દેશમાં આર્થિક મંદીની સ્થિતિને સુધારવા માટે કેન્દ્રની મોદી સરકારે ટેક્સ સુધારાઓની આજે મોટી જાહેરાત કરી હતી. કેશ ફ્લો વધારવા માટે સરકારે બેંકોને ૭૦૦૦૦ કરોડ રૂપિયા જારી કરવાની જાહેરાત કરી છે. સરકાર તરફતી આપવામાં આવેલા ૭૦૦૦૦ કરોડ રૂપિયાના પેકેજથી નાણાંકીય વ્યવસ્થામાં ૫ લાખ કરોડ રૂપિયા કેશ ફ્લો થશે.

નાણામંત્રી નિર્મલા સીતારામને મૂડીરોકાણને વધારવા માટે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર ટેક્સ સરચાર્જને પરત લેવાની પણ જાહેરાત કરી હતી. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણકારોએ એટલે કે એફપીઆઈ પર પણ વધારાના સરચાર્જને પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ફરી એકવાર બજેટથી પહેલાની સ્થિતિમાં જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બજેટથી પહેલા એફપીઆઈ ઉપર ૧૫ ટકાનો સરચાર્જ લાગૂ હતો તેને બજેટમાં ૨૫ ટકા કરી દેવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલીટીના ભંગને તેઓએ ક્રિમિનલ કેસ ન બનાવવાની વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હવે આના ઉપર માત્ર દંડની રકમ જ લાગૂ થશે. સ્ટાર્ટઅપ ઉપર લાગૂ એન્જલ ટેક્સને પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આની સાતે સાથે બેંકો માટે ૭૦૦૦૦ કરોડ રૂપિયાના પેકેજ જારી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

સરકાર તરફથી આર્થિક સુધારાઓનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ કહ્યું છે કે, જીએસટીમાં જે ખામીઓ રહી ગઇ છે તેને પણ દૂર કરવામાં આવનાર છે. ટેક્સ અને લેબર કાનૂનમાં સતત સુધારા કરવામાં આવી રહ્યા છે. આ કહેવાની બાબત ખોટી છે કે, સરકાર કોઇને હેરાન કરીરહી છે. સંપત્તિ બનાવનાર લોકોનું અમે સન્માન કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે, કંપનીઓના મર્જર અને અધિગ્રહણની મંજુરી ઝડપથી આપવામાં આવી રહી છે.

નાણામંત્રીએ કહ્યું હતું કે, ટેક્સ હેરાનગતિના કેસોને દૂર કરવામાં આવશે. નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે, બેંકો દ્વારા રેટમાં કાપનો લાભ હવે ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સહમતિ થઇ ગઇ છે. બેંકોથી લોન લેનાર ગ્રાહકોને રાહત આપતા નાણામંત્રીએ કહ્યું હતું કે, નોન ક્લોઝર માટે ૧૫ દિવસની અંદર સિક્યુરિટી માટે જમા કરવામાં આવેલા દસ્તાવેજ ગ્રાહકોને પરત કરવાના રહેશે.

નાણામંત્રીએ પત્રકાર પરિષદ દરમિયાન ઇકોનોમિને લઇને એક પ્રેજન્ટેશન કરીને પણ સ્થિતિને સરળ બનાવી હતી. કુલ ૩૨ સ્લાઇડમાં નાણામંત્રીએ અર્થવ્યવસ્થાનું ચિત્ર રજૂ કર્યું હતું. ઓટો સેક્ટર માટે મોટા પગલાની જાહેરાત કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે, માર્ચ ૨૦૨૦ સુધી ખરીદવામાં આવનાર બીએસ-૪ એન્જિનવાળા વાહનોને ચલાવવામાં કોઇ પરેશાન થશે નહીં. રજિસ્ટ્રેશન ફીમાં વધારાને પણ જૂન ૨૦૨૦ સુધી ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહનો ઉપર સરકારના જોરના પરિણામ સ્વરુપે પેટ્રોલ અને ડિઝલવાળી ગાડીઓના બંધ થવાની આશંકા હતી જેથી વેચાણ ઘટી જવાની ફરિયાદો આવી રહી હતી.

ગ્લોબલ ઇકોનોમિ અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક જીડીપી બે ટકા રહેવાનો અંદાજ છે. ગ્લોબલ ડિમાન્ડ ઘટી રહી છે. નિર્મલા સિતારામને કહ્યું હતું કે, ચીન અને અમેરિકા સહિત તમામ દેશોની સરખામણીમાં અમારો જીડીપી ગ્રોથ વધારે છે. અમે અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી ચિંતાઓને ઓછી કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતનો ગ્રોથરેટ પોતાના ટ્રેક ઉપર છે. ઇકોનોમિ સુધારા જારી રહેશે. પર્યાવરણ સાથે જોડાયેલી મંજુરીને પણ સરળ કરવામાં આવી રહી છે. અમે બિઝનેસને મંજુરી આપવાની પ્રક્રિયાને સતત કેરળ કરી રહ્યા છે.

સીતારમણે કહ્યું હતું કે, રેપોરેટ અને એક્સ્ટર્નલ બેંચમાર્ક લિન્ક્ડ લોન પ્રોડક્ટ લોંચ કરવામાં આવશે. આનાથી ગ્રાહકોને હવે હોમ અને ઓટો લોન સસ્તામાં મળશે. જીએસટી રિફન્ડમાં વિલંબના કારણે કારોબારમાં અડચણો આવી રહી છે. આ સંદર્ભમાં જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે, તમામ પેન્ડિંગ રિફન્ડની ચુકવણી ૩૦ દિવસની અંદર કરવામાં આવશે. નાણામંત્રીએ એમ પણ કહ્યું હતું કે, હવે ભવિષ્યમાં જીએસટી રિટર્નની ચુકવણી ૬૦ દિવસમાં કરી દેવાશે. બીએસ-૪ માપદંડ ધરાવતા વાહન રજિસ્ટ્રેશન પિરિયડ સુધી માન્ય રહેશે. આવકવેરા નોટિસનો ઉકેલ ત્રણ મહિનાની અંદર લવાશે. જીએસટીને વધુ સરળ કરવામાં આવશે. સુપરરિચ સરચાર્જને દૂર કરવાના નિર્ણયને પણ મોટા નિર્ણય તરીકે ગણવામાં આવે છે.