રાજ ઠાકરેને લઈ વર્ષો બાદ અટકી ગયા મુંબઈના શ્વાસ, પોશ વિસ્તારોમાં 144મી કલમ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના ચીફ રાજ ઠાકરે આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી) સમક્ષ હાજર થયા તે પહેલાં મુંબઈના શ્વાસ અટકી ગયા હતા. પોલીસે પોશ ગણાતા વિસ્તારોમાં 144મી કલમ લાગૂ કરી દીધી હતી. ઈડી સમક્ષ રાજ ઠાકરે હાજર થયા તો MNSના કાર્યકરોએ અનેક સ્થળોએ વિરોધ પ્રરદર્શન કર્યા  હતા. પોલીસ પણ દરેક સ્થિતિને પહોંચી વળવા માટે સાબદી થઈ ગઈ હતી. રાજ ઠાકરેના ઘરેથી લઈને ઈડીની ઓફીસ સુધી પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો.

રાજ ઠાકરેની પૂછપરછને લઈ પોલીસે આ વિસ્તારોમાં કલમ 144 લાગૂ કરી દીધી છે.

  • મરીન ડ્રાઈવ
  • એમઆર માર્ગ
  • દાદર
  • આઝાદ મેદાન

કલમ 144 લાગૂ કરવા ઉપરાંત ઈડીની ઓફીસ સુધી જતા રસ્તાને સંપૂર્ણ રીતે બ્લોક કરી દેવામાં આવ્યો છે અને કોઈ પણ વાહનના અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મુંબઈમાં ઈડીની ઓફીસ પશ્ચિમ વિસ્તારના બલ્લાર્ડ એસ્ટેટમાં છે. મુંબઈ પોલીસ તરફથી આ વિસ્તારોમાં નહીં જવાની અપીલ કરવામાં આવી છે, કારણ કે આ વિસ્તારોમાં ટ્રાફીક જામની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ઠેક ઠેકાણે પોલીસને તૈનાત કરી દેવામાં આવી છે.

રાજ ઠાકરે હાજર થાય તે પહેલાં MNSના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. પોલીસે સંખ્યાબંધ નેતાઓની અટકાયત કરી હતી. જ્યારે બુધવારે કેટલાક નેતાઓને નોટીસ આપી દેવામાં આવી હતી. ઈડી સમક્ષ હાજર થાય તે પહેલાં રાજ ઠાકરેએ કાર્યકરોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી અને ઈડીની ઓફીસ બહાર એકત્ર ન થવાનું જણાવ્યું હતું. રાજ ઠાકરે હાજર થયા તો તેમનો પરિવાર હોટલમાં રોકાયો હતો.

રાજ ઠાકરેની કોહીનૂર સીટીએનએલ ઈન્ફાસ્ટ્રકચર લીંઝીંગ એન્ડ ફાયનાન્સિયલ સર્વિસીઝને આપવામાં આવેલી લોનમાં કથિત અનિયમિતતાને લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.