મોદી સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા ધ મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઈટ ઓન મેરેજ એક્ટ-2019 પ્રમાણે સુરતમાં દેશનો સર્વ પ્રથન ગુનો નોંધાયો છે.
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન મોહમ્મદ ઉર્ફે વસીમ અશરફ ખાન પઠાણ( રહે: ઘરનંબર-10/47, મુન્શી સ્ટ્રીટ રાંદેર)ની સાથે 2017માં થયા હતા. પીડિતા પતિ અને સાસુ સાથે રહેતી હતી. ત્યાર બાદ લગ્નના થોડા સમય બાદ 2018માં નાની મોટી વાતોમાં મેણા-ટોણા મારવાનું શરૂ કરવામાં આવ્યા હતા. પીડિતાને ગર્ભ રહી જતાં તે વખતે પણ પતિએ તુ મરી જા અને તારું બચ્ચું પણ મરી જાય તેવું ખરાબ બોલી અવારનવાર ઝઘડો કરતો હતો.
આ ઉપરાંત પતિ દ્વારા પીડિતાના માતા-પિતા અને ભાઈ-ભાભીના ફોન અંગે પણ વારંવાર શંકાઓ કરી ઝઘડો કરવામાં આવતો હતો.
પોલીસ ફરીયાદ મુજબ ગઈ 23-6-2019ના રોજ પીડિતાના માસી મોરેશિયસ જવા હોવાથી પીડિતા માસીને મળવા ગઈ હતી, ત્યારે પતિએ માસીને મળવા જવાનું નથી તેમ કહી બોલાચાલી કરી હતી અને રાંદેર આમલીપુરામાં આવેલા પિયરમાં પીડિતા અને પુત્રને મૂકીને જતો રહ્યો હતો. આ દિવસે જ મહોમ્મદ ઉર્ફે વસીમે પીડિતાના પિતાના મોબાઈલ નંબર પર ફોન કરીને કહ્યું હતું કે તું હવે નહીં આવે તો તલાક આપી દઈશે અને ફોન પર જ ત્રણ વખત તલાક આપી દીધા હતા.
આ અંગે પીડિતાએ રાંદેર પોલીસ મથકમાં ફરીયાદ આપી હતી. શરૂઆતમાં પોલીસે નવા કાયદાન માર્ગદર્શિકા ન હોવાનું કહી ફરીયાદ નોંધી ન હતી પણ આજે મોડી સાંઝે પીડિતાની ફરીયાદ લઈ મોદી સરકારે બનાવેલા ટ્રીપલ તલાકના નવા કાયદા મુજબ ફરીયાદ નોંધી હતી. નવા કાયદા પ્રમાણે સમગ્ર દેશમાં સર્વ પ્રથમ વખત સુરતમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસે ધ મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઈટ ઓન મેરેજ એક્ટ-2019ની કલમ 3-4 ઉપરાંત આઈપીસીની કલમ 498(ક), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.