જૂઓ વીડિયો: કાળજા કંપાવતી ઘટના, સુરતમાં બાળક પર કાર ચઢી ગઈ અને પછી શું થયું?

સુરતના નાના વરાછા વિસ્તારની દિલ ધ્રુજાવી નાંખતી અને કાળજા કંપાવી નાંખતી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કૈદ થઈ ગઈ છે. કારને રિવર્સમાં લઈ રહેલા કાર ચાલકને ખબર પડી ત્યાં સુધી બાળક કાર નીચે આવી ગયો હતો પણ કુદરત મહેર કરે બાળક સહી સલામત રીતે કાર નીચેથી નીકળ્યો હતો.

ઘટનાની વિગત એવી છે કે નાના વરાછા કૃષ્ણ સોસાયટીમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રના જિજ્ઞેશ પાનસુરીયાનો બીજા ધોરણમાં અભ્યાસ કરતો સાત વર્ષનો દિકરો દીપ વરસાદ વરસી રહ્યો હતો ત્યારે છત્રી લઈને સ્કૂલે જવા નીકળ્યો હતો અને  ઘરની બહાર થોડીક વાર રસ્તા પર રોકાયો હતો ત્યારે આ જ સોસાયટીમાં રહેતા નારણભાઈ કારને રિવર્સ મારી રહ્યા હતા. નારણભાઈની કારની નીચે દીપ આવી ગયો હતો.છત્રીનો ડૂચો વળી ગયો હતો. બાળક કચડાતા પાડોશમાં રહેતી મહિલાએ બૂમાબૂમ કરી હતી અને ગાડીની સામે આવીને ઉભી રહી ગઈ હતી.

જૂઓ વીડિયો…

કાર ચાલક નારણભાઈ અને અન્ય લોકોએ જોયું તો કારની નીચે આવલો દીપ રડારડ કરી રહ્યો હતો. દીપને તાત્કાલિક કારની નીચેથી બહાર કાઢવામાં આવ્યો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જ્યાં હાજર તબીબોએ દીપ નોર્મલ હોવાનું જણાવ્યું હતું. ઘટના બાદ બાળક સીધો સ્કૂલે પહોંચી ગયો હતો.

કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે અથવા જાકો રાખે સાંઈયા, માર સકે ન કોઈ. દીપની સાથે પણ આવા જ પ્રકારનો ચમત્કાર થયો છે અને દીપ સહી સલામત છે. પણ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ખાસ્સા વાયરલ થયા છે.