સમગ્ર દેશમાં કાપડનો જથ્થાબંધ વેપાર કરતી બ્રાન્ડેડ કાપડની કંપનીને આ સિઝનમાં ભારે મંદીનો સામનો કરવો પડ્યો છે. કંપની દ્વારા કાપડની એક જોડી પર સિલાઈ ફ્રીની સ્કીમ આપવામાં આવી હોવા છતાં પણ આખા મહિના દરમિયાન બ્રાન્ડેડ કંપની પાસે રોકડા 28 ગ્રાહકો આવ્યા હતા. આના પરથી ફલિત થાય છે કે હવે કંપનીઓની લોભામણી જાહેરાતો પણ દુકાનદારોને મંદીની મારમાંથી બચાવી શકવામાં નિષ્ફળ પુરવાર થઈ રહી છે.
બ્રાન્ડેડ કંપનીએ સમગ્ર ગુજરાતમાં પોતાની રીટેઈલ દુકાનો પર કાચા કાપડ સાથે સિલાઈ ફ્રી કરી આપવાની સ્કીમ જાહેર કરી હતી. પરંતુ કંપનીને આ સ્કીમનો લાભ મળ્યો નથી. કાપડ ખરીદવા માટે લોકો આકર્ષાશે અને તેજીનું મોં જોવાનો વારો આવશે તેવી ધારણા ખોટી પડી અને દુકાનો પર કાગડા જ ઉડતા જોવા મળ્યા હતા.
મંદીનો માર સહન કરી રહેલી કંપનીને આશા છે કે તહેવારોની સિઝનમાં ગ્રાહકી નીકળશે પરંતુ હાલમાં તો કારીગરો અને કર્મચારીઓનો પગાર કાઢવા માટે નીત નવા પેંતરા કરવામાં આવી રહ્યા છે. કાચા કાપડ સાથે સિલાઈ ફ્રીની સ્કીમ વિસ્તાર પ્રમાણે લાગુ કરવામાં આવી હતી. એક જોડી પર જે વિસ્તારમાં જે સિલાઈનો ભાવ હોય તે પ્રમાણે ટેલરને સિલાઈ આપવામાં આવશે તેવું કંપનીએ જાહેર કર્યું હતું અને આ પ્રમાણે સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી.
મંદીની કેટલી વ્યાપક અસર છે તે આના પરથી ફલિત થઈ રહ્યું છે. ગ્રાહકોને લાભ થાય છે, ફાયદો છે પણ ગજવા ખાલી હોય તો આવી આકર્ષક સ્કીમ પણ ફેલ થઈ જાય છે. મંદી અને મોંઘવારી એમ બન્નેના કારણે લોકો ખરીદીથી દુર ભાગી રહ્યા છે.