આખરે 28 ક્લાકની ખો-ખો બાદ ચિદમ્બરમની ધરપકડ: ઘરનો ગેટ ન ખૂલ્યો તો સીબીઆઈ દિવાલ કૂદીને ધૂસી ગઈ

આખરે 28 કલાકની સંતાકૂકડી બાદ સીબીઆઈએ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમની તેમના ઘરેથી ધરપકડ કરી છે. ચિદમ્બરમના ઘરનો ગેટ ન ખૂલ્યો તો દિવાલ કૂદીને સીબીઆઈની ટીમ ઘરમાં ઘૂસી ગઈ હતી અને ચિદમ્બરમને ઘરમાંથી ઉંચકી લીધા હતા.

ચિદમ્બરમને તેમના દિલ્હી સ્થિત જોરબાગ ખાતે આવેલા નિવાસેથી ધરપકડ કરવામાં આવી હતી. રાત્રે આઠ વાગ્યે ચિદમ્બરમ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. ત્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે આઈએનએક્સ મીડિયા કેસમાં તેઓ પોતે નિર્દોષ છે.

ચિદમ્બરમ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા તે તેમની ધરપકડ કરવા સીબીઆઈની ટીમ પહોંચી ગઈ હતી. સીબીઆઈની ટીમ પહોંચે ત્યાં સુધી ચિદમ્બરમ કોંગ્રેસ કાર્યાલય છોડીને પોતાના જોરબાગ ખાતે આવેલા ધરે પહોંચી ગયા હતા. સીબીઆઈએ ઘરનો દરવાજો ખોલવાની કોશીશ કરી પણ દરવાજો ખૂલ્યો ન હતો તો સીબીઆઈની ટીમ દિવાલ ઓળંગીને ચિદમ્બરમના ઘરમાં ઘૂસી ગઈ હતી અને તેમની ધરપકડ કરી હતી.

ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી વચગાળાની રાહત આપવાની માંગ કરી હતી. કોર્ટ નંબર ત્રણમાં જસ્ટી એન.વી.રમન્ના સમક્ષ વચગાળાની રાહત અરજી દાખલ કરીને ચિદમ્બરમના વકીલે વહેલી સૂનાવણીની માંગ કરી હતી. પણ જસ્ટીસ રમન્નાએ કહ્યું કે અરજી ચીફ જસ્ટીસને મોકલવામાં આવી રહી છે અને તેઓ નક્કી કરશે કે સુનાવણી ક્યારે કરવામા આવે. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી 22મી તારીખ પર રાખવાનું જાહેર કર્યું હતું અને ચિદમ્બરમને વચગાળાની રાહત મળી ન હતી.

સીબીઆઈ અને ઈડીએ ધરપકડ ટાળવા માટે ચિદમ્બરમની અરજી વિરુદ્વ કેવિએટ દાખલ કરી હતી, જેથી કરીને કોર્ટે હવે બન્ને એજન્સીઓનો પક્ષ સાંભળ્યા બાદ જ કોઈ ફેંસલો કરી શકશે. આ ઉપરાંત ઈડીએ ચિદમ્બમ વિરુદ્વ લૂક આઉટ નોટીસ ઈશ્યુ કરી દીધી હતી. ઈડીની ટીમ મંગળવારે રાત્રે ચિદમ્બરમના નિવાસે પહોંચી હતી અને ચિદમ્બરમ ઘરે મળી આવ્યા ન હતા. ઈડીએ ત્યાર બાદ બે ક્લાકમાં ઈડીની ઓફીસે હાજર થવાની નોટીસ ચોંટાડી દીધી હતી.