આર્મી માટે હથિયાર બનાવનાર હડતાળ પર, 83 હજાર કર્માચારીઓએ કામ બંધ કર્યું

ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ(OFB)ના અસૈન્ય કર્મચારીઓએ દેશભરમાં કેટલીક માંગોને લઈ એક મહિનાની હડતાળ પાડી દીધી છે. દેશભરની 41 ફેક્ટરીઓનાં 83 હજાર કરતાં પણ વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. ફેક્ટરીઓના પ્રાઈવેટાઈઝેશનનો વિરોધ કરી કર્મચારીઓએ પ્રદર્શન પણ કર્યા હતા. કર્મચારીઓની માંગ છે કે ફેક્ટરીઓના કોર્પોરેટરીકરણનો પ્રસ્તાવ સરકાર પાછો ખેંચે. હડતાળમાં ઓલ ઈન્ડીયા ડિફેન્સ એમ્પ્લોયઝ ફેડરેશન, ઈન્ડીયન નેશનલ ડિફેન્સ વર્કર્સ ફેડરેશન અને ભારતીય પ્રતિરક્ષા મજદૂર સંઘ તેમજ ફેડરેશન ઓફ ડિફેન્સ રેકોગ્નાઈઝ્ડ એસોસિએશનના કર્મચારીઓ સામેલ થયા છે.

હથિયાર નિર્માણ( આયુધ નિર્માણ) ફેક્ટરીઓના કર્મચારીઓએ મંગળવારથી હડતાળ શરૂ કરી દીધી છે અને એક મહિના સુધી હડતાળ ચાલુ રાખવામાં આવે તેવી સંભાવના છે. જોકે, OFBના અધ્યક્ષ સૌરભ કુમારે કહ્યું કે કેન્દ્ર સરકારનો પ્રસ્તાવિત પગલું ફેક્ટરીઓની સ્વયત્તા વધારવા માટેનું છે. કર્મચારીઓ સાથે કેન્દ્રના રક્ષા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સતત વાતચીત કરી રહ્યા છે. આ મહિના દરમિયાન 14, 16 અને 19મી ઓગષ્ટે મંત્રાલયના અધિકારીઓની પેનલે કર્મચારી સંગઠનો સાથે મંત્રણા કરી હતી. પણ તેનો કોઈ ઉકેલ આવ્યો ન હતો.

ઈકોનોમિક્સ ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે બુધવારે 21 ઓગષ્ટે ફરી એક વાર રક્ષા મંત્રાલયની પેનલે કર્મચારી સંગઠનો સાથે વાતચીત કરવાનું નક્કી કર્યું છે. જેમાં હડતાળને સમાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવશે. આ દરમિયાનમાં કર્મચારી સંગઠનોએ કહ્યું છે કે ઓર્ડિનન્સ ફેક્ટરીઓનું કોર્પોરેટરીકરણ વિરુદ્વ પ્રદર્શન ચાલુ રહેશે. રક્ષા મંત્રાલય તરફથી કોઈ સકારાત્મક પહેલ કરવામાં આવી નથી. સરકાર સાથે મંત્રણાનો દૌર ચાલુ રાખવામાં આવશે અને હડતાળ પર ચાલુ રખાશે.